મુંબઇઃ મુંબઈમાં સાર્વજનિક ગણેશોત્સવ મંડળોની તૈયારી અંતિમ તબક્કામાં છે. દર વર્ષે મુંબઈમાં દેશવિદેશમાંથી લાખો ભક્તો ગણપતિનાં દર્શન કરવા માટે ઊમટી પડે છે. મુંબઈના સૌથી શ્રીમંત ગણપતિ તરીકે ઓળખ ધરાવતા કિંગ સર્કલ એસબી ગણપતિ પણ આકર્ષણનું કેન્દ્ર હોય છે. આ ગણેશ મંડળે આ વખતે રૂ. 360.40 કરોડનો વીમો કઢાવ્યો છે. ગણપતિ દર્શન કરવા માટે ભાવિકોની ગિરદી અને બાપ્પાના શરીર પર કરોડોના દાગીનાને ધ્યાનમાં રાખીને સુરક્ષાની દૃષ્ટિથી મંડળ દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાનો વીમો કઢાવવામાં આવે છે. પાંચ દિવસ બિરાજમાન થતા આ ગણપતિ મંડળનું આ વખતે 69મુ વર્ષ છે. જીએસબી મહાગણપતિ સૌથી શ્રીમંત તરીકે ઓળખ ધરાવે છે. આ જ રીતે તેના ભક્તોમાં મનોકામના પૂરી કરનારા વિશ્વના રાજા તરીકે પ્રસિદ્ધ છે. આથી ગણપતિનાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઊમટી પડે છે. આ ધ્યાનમાં લેતાં મંડળે આ વખતે મોટી રકમનો વીમો કઢાવ્યો છે. વિશ્વના રાજા તરીકે પણ ઓળખવામાં આવતા આ મહારાજાના ચરણે શ્રદ્ધાથી ભાવિકો દાગીના અર્પણ કરે છે. આ બાપ્પા પર ભાવિકોએ આજ સુધીમાં 65 કિલોથી વધુ સોનાના દાગીના અને 289 કિલોથી વધુ ચાંદીના દાગીના ચઢાવ્યા છે.