કોટ્ટાયમ (કેરળ): કુટિયામ્મા કોંથીની ઉંમર ભલે 104 વર્ષની હોય, પણ તેમનો જુસ્સો જુવાનિયાઓને શરમાવે તેવો છે. જિંદગી જીવી જાણવાના આ જુસ્સાના કારણે તો તેઓ તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ ગયાં હતાં. તેમણે કેરળ રાજ્યની સાક્ષરતા મિશન પરીક્ષામાં ૧૦૦માંથી ૮૯ માર્ક મેળવ્યા છે. આ વાત જામવા મળતાં જ એક અખબારી પ્રતિનિધિ કુટ્ટિયામ્માને મળવા થિરુવંચૂર ખાતેના તેમના નિવાસસ્થાને પહોંચ્યા તો ત્યારે તેઓ પોતાના સંયુક્ત પરિવારની યુવાન પેઢી સાથે દેશ-દુનિયાના મુદ્દા પર ચર્ચા કરી રહ્યાં હતાં. સાક્ષરતા ટેસ્ટ પછી હવે તેમનું આગામી લક્ષ્ય ‘ઇક્વિવેલન્સી ટેસ્ટ’ પાસ કરવાનો છે. આ પછી સત્તાવાર રીતે પ્રાથમિક શિક્ષણ પૂરું થઈ જશે. કેરળમાં આ ચોથા ધોરણની પરીક્ષા કહેવાય છે, જે સામાન્ય રીતે નવ વર્ષની ઉંમરે બાળકો પાસ કરે છે.
કુટ્ટિયામ્માને અક્ષરોનો પરિચય કરાવનારી રેહાના જ્હોન જણાવે છે કે, નાનાં બાળકોની જેમ જ તેઓ પેન-નોટ કાઢીને તૈયાર રહે છે. ચોથા ધોરણની પરીક્ષા માટે નવું સત્ર શરૂ પણ શરૂ થયું નહોતું, પરંતુ કુટ્ટિયામ્માએ તેની તૈયારી શરૂ કરી દીધી છે. તેઓ મલયાલમ, અંગ્રેજી, પર્યાવરણ અને ગણિત શીખી રહ્યાં છે. ચોથું ધોરણ પાસ કરવા તેમણે આ ચાર વિષયની પરીક્ષા આપવાની રહેશે. રેહાના કહે છે કે, અંગ્રેજી પણ તેમનાં માટે કોઈ મુશ્કેલ નથી. કુટ્ટિયામ્મા જણાવે છે કે, તેઓ દરરોજ સવારે મલયાલમ અખબાર ‘મલયાલમ મનોરમા’ની રાહ જોતાં હોય છે. બે કલાક સુધી અખબાર વાંચે છે, જેથી દેશ-દુનિયાનાં સમાચારોથી ખુદને અપડેટ રાખી શકે.
નિરક્ષર વૃદ્ધો માટે બન્યા પ્રેરણાસ્રોત
કુટ્ટિયામ્માને જોઈને હવે બીજા વૃદ્ધો પણ ભણતર પર ધ્યાન આપી રહ્યા છે. કુટ્ટિયામ્મા જણાવે છે કે, હું કેરળની પછાત ઈજાવા સમુદાયની છું અને ગરીબીમાં ઉછરી છું. એ સમયે ઘરમાં છોકરીઓના ભણતર અંગે કોઈ વિચારતું પણ ન હતું. અમારા ગામમાં તો છોકરાઓ પણ ચોથું ધોરણ ભણ્યા પછી અભ્યાસ છોડી દેતા હતા.
પિતા જમીનવિહોણા ખેડૂત હતા. કુટ્ટિયામ્મા કહે છે કે, હું સંપૂર્ણપણે સ્વસ્થ છું અને પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા વગર આ દુનિયામાંથી વિદાય લેવાની નથી.
કુટ્ટિયામ્માની ખુશીનું રહસ્ય
કુટ્ટિયામ્મા આ ઉંમરે પણ સંપૂર્ણ તંદુરસ્ત છે, પણ તેમના આ નિરામય સ્વાસ્થ્યનું રહસ્ય શું છે? તેઓ કહે છે કે આનું રહસ્ય આયુર્વેદ છે. તેઓ આયુર્વેદિક જડીબુટ્ટીઓથી બનેલો પાઉડર ખાય છે. ભોજનમાં લસણ તો અચૂક ખાય છે.
કુટ્ટિયામ્મા આજે પણ પોતાનાં તમામ કામ જાતે જ કરે છે. તેમના સંયુક્ત પરિવારમાં જ્યારે જમવામાં કંઈક વિશેષ બનાવવાનું હોય તો ઉત્સાહભેર પુત્રવધૂઓને શીખવાડે છે. તેઓ જણાવે છે કે, તેમનાં પાંચ બાળકો છે, જેમાંથી બેનાં મોત થઈ ગયા છે. પતિનું ૨૦૦૨માં ૯૨ વર્ષની વયે નિધન થયું હતું. તેઓ કહે છે કે, મેં પાંચ પેઢીને મારી નજર સમક્ષ ઉછરતી - સમૃદ્ધ થતી જોઈ છે અને જીવનમાં કોઈ વાતનો પશ્ચાતાપ નથી. હું મારો રોજનો દિવસ જીવું છું અને ખુશ રહું છું.