ભોપાલ: મધ્ય પ્રદેશમાં પહેલી માર્ચથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઇ છે. એ પરીક્ષામાં દિવ્યાંગ ગુરદીપ કૌર વાસુનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. બોલી-સાંભળી કે જોઈ ન શકતી આ વિદ્યાર્થિની 10મા ધોરણની પરીક્ષા આપી રહી છે.
મધ્ય પ્રદેશ શિક્ષણ વિભાગના કહેવા પ્રમાણે 32 વર્ષની ગુરદીપ કૌર વાસુએ પરીક્ષાની ખૂબ મન લગાવીને તૈયારી કરી છે. તેને ધ્યાનમાં રાખીને બોર્ડે સ્વાધ્યાયી ઉમેદવાર તરીકે ગુરદીપને પરીક્ષામાં બેસવાની વિશેષ પરવાનગી આપી છે. આ વિદ્યાર્થી બોલી શકતી નથી અને જોઈ શકતી નથી. આવી સ્થિતિમાં રાજ્યના બોર્ડના નિયમો પ્રમાણે તેને એક સહાયક આપવામાં આવશે.
સાંકેતિક ભાષા જાણતા સહાયકની મદદથી આ દિવ્યાંગ ગુરદીપ કૌર વાસુ પરીક્ષા આપી રહી છે. રાજ્ય માધ્યમિક શિક્ષક મંડળના ઈતિહાસમાં આવો પહેલો કિસ્સો છે. કોઈ ઉમેદવારમાં બોલવા, સાંભળવા અને જોવાની ખામી હોય છતાં પરીક્ષામાં બેસવાનો આ કિસ્સો અનેક દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી છે. ગુરદીપનો વિદ્યાર્થી તરીકેનો રેકોર્ડ ઘણો ઉજ્જવળ છે. આટલી શારીરિક અક્ષમતા છતાં છતાં ગુરદીપે દસમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. ગુરદીપને સ્પર્શની સાંકેતિક
ભાષા શીખવવામાં આવી છે. તે હાથની આંગળીઓથી સંકેતમાં સંવાદ કરે છે. એવી જ સંકેતની ભાષાના જાણકારને તેના સહાયક તરીકે મૂકવામાં આવ્યા છે.