દુર્ગ: છત્તીસગઢના દુર્ગમાં બસસ્ટેશન પાસે એક ઝૂંપડીની છત ઉપર એસ્બેસ્ટોસની શિટ હતી. વરસાદમાં પાણી ટપકવા લાગ્યું તો તેના પર ખાલી કોથળા નાંખીને તાલપત્રીથી ઢાંકી દેવાઈ. બોર્ડ જોઈએ તો લાગે કે ચાની કિટલી હશે, પણ હકીકતમાં તે એક કો-ઓપરેટિવ બેંકની હેડઓફિસ છે. તેનું એક વર્ષનું ટર્નઓવર રૂ. ૨૨.૮૪ કરોડનું છે.
બેંક માત્ર ફૂટપાથના વેપારીઓને લોન આપે છે. બેંક અત્યાર સુધીમાં ત્રણ હજાર કરતાં વધુ લોકોને લાભ આપી ચૂકી છે. દર વર્ષે ધિરાણનું પ્રમાણ રૂ. એક કરોડના દરે વધે છે. બેંકમાં હાલ ૮૦૦ બચત-ચાલુ ખાતા અને ૫૦૦ લોન ખાતા છે. લઘુમતી સહકારી શાખ સમિતિ અંતર્ગત ૧૯૯૮માં રૂ. ૧૮ હજારથી બેંકની શરૂઆત કરાઈ હતી.
બેંકના અધ્યક્ષ રઉફ કુરેશી જણાવે છે કે, સામાન્ય બેંકો ફૂટપાથના વેપારીઓને દસ્તાવેજો હોવાને કારણે લોન નથી આપતી. હું ૧૯૯૮માં લઘુમતી કલ્યાણ સમિતિનો સભ્ય હતો. પ્રશાસને ગરીબોને લોન આપવાની યોજના શરૂ કરી, પરંતુ બેંકોએ રસ નહોતો દાખવ્યો. શાકભાજીનો વેપાર કરનારા એક યુવાનનું કહેવું છે કે બેંકો મદદ કરતી હોવાથી અમારે શાહુકારો પાસેથી પૈસા માગવા જવું પડતું હતું. શાહુકારો રોજ ૧૦-૧૫ ટકા લેખે વ્યાજ લેતા હતા. ક્યારેક પૈસા આપી શકાય તો ગાળાગાળી કરીને માર મારતા.
રઉફ કહે છે કે, તકલીફ જોઈને આવી બેંક શરૂ કરવાનો વિચાર આવ્યો. જે બેંક ગરીબોને સસ્તા દરે લોન આપી શકે. તે વર્ષે બેંકિંગ ક્રેડિટ સોસાયટીની શરૂઆત કરાઈ. એડ્રેસ પ્રુફ અને ગેરંટરના આધારે લોન આપવાનું શરૂ થયું. એ પ્રથા આજે પણ ચાલુ છે. બેંકની મદદથી કેટલાક લોકો તો આજે મોટા વેપારી બની ગયા છે. રઉફ કહે છે કે, લઘુમતી બેંક વાર્ષિક ૧૫ ટકાના દરે લોન આપે છે. બેંક પોતે લોન લેનારા પાસે જઈને રોજ કે મહિનાના હિસાબે નાણા ઉઘરાવે છે. પૈસા ઉઘરાવ્યા બાદ લોનનું વ્યાજ નાનાથી મોટા વેપારીઓના ક્રમમાં લેવામાં આવે છે.
મહંમ્મદ શાહરુખ એક કપડાંની દુકાનમાં કામ કરતા હતા. તે પોતાની દુકાન શરૂ કરવા માગતા હતા. પૈસા નહોતા. બેંક પાસેથી લોન લીધી. ફૂટપાથ ઉપર કપડાં વેચવાનું શરૂ કર્યું. આજે પોતાની દુકાન છે. દુર્ગમાં રહેતો યુવરાજ નામનો યુવક મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો. એકાદ વર્ષ પહેલાં તેણે આ બેંકમાંથી લોન લીધી અને આજે શાકભાજીનો વેપાર કરે છે.