કોલકતાઃ દુનિયામાં અનેક લોકોનું ઘરનું ઘર બનાવવાનું સપનું હોય છે એ તો આપણે સહુ જાણીએ છીએ. પશ્ચિમ બંગાળના આ ખેડૂતે પણ આવું જ સપનું જોયું હતું, પણ થોડાક અંશે અલગ કહી શકાય તેવું. ઉત્તર 24 પરગણા જિલ્લામાં રહેતા 52 વર્ષીય મિન્ટુ રોયે પણ વર્ષો પહેલા ભવ્યાતિભવ્ય ટાઈટેનિક જહાજ વિશે સાંભળ્યું હતું. આ પછી ફિલ્મ રિલીઝ થઇ ત્યારે તેના ફોટોગ્રાફ પણ નિહાળ્યા અને વિગતવાર જાણકારી પણ મેળવી. જહાજની ભવ્યતા વિશે જાણીને તેમણે ટાઇટેનિક જેવું ઘર બનાવવાનું વિચાર્યું હતું, અને હવે તેમનું સપનું સાકાર થવાના આરે છે. આ ત્રણ માળના અનોખા ઘરને હજુ આખરી ઓપ આપવાનો બાકી છે, પણ તેનું માળખું તૈયાર થઇ ગયું છે. અને લોકો આ ટાઇટેનિક આકારના મકાનને જોવા ઉમટે છે. મિન્ટુ રોયનું મકાન જાણે પ્રવાસન સ્થળ બની ગયું છે.
આવું મકાન બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો એ વિશે પૂછતા મિન્ટુ રોય કહે છે કે, મારું બાળપણ અને યુવાની કોલકતામાં વીત્યા છે. આથી હું દુર્ગા પૂજાના ભવ્ય અને અનોખા પંડાલ જોઈને મોટો થયો છું. દુર્ગા પૂજા દરમિયાન એવા અનેક પંડાલ જોવા મળતા, જે અમને જીવનભર યાદ રહી જતાં હતાં. આ દરમિયાન અમે 25 વર્ષ પહેલા સપરિવાર ઉત્તર 24પરગણામાં રહેવા આવ્યા ત્યારે મકાન બનાવવાનું નક્કી કર્યું. જોકે આ મકાન અનોખું બનાવવા માટે તેને ટાઈટેનિક જહાજ જેવા આકારમાં બનાવવાનો નિર્ણય કર્યો. આયોજન હાથ ધર્યું અને મકાનનિર્માણમાં કોઈ ખામી ના રહે માટે એન્જિનિયરોની પણ મદદ લેવાનું નક્કી કર્યું. જોકે તેના આકારને બજેટ વધી ગયું, છતાં અમે સપનાનું ઘર સાકાર કરી શક્યા છીએ તેનો અમને આનંદ છે.
ટાઇટેનિક હાઉસની વિશેષતાઓ
• દરેક જહાજમાં હોય છે એવો ડેક અને કંટ્રોલ રૂમ બનાવાયા છે, જ્યાં મહેમાનો સાથે બેસી શકાય. • જહાજના ડેક પરથી સામે બગીચો દેખાય એવો વ્યૂ છે. • વરસાદી પાણીના નિકાલ માટે સ્લોપિંગ રૂફ અને ચિમનીની વ્યસ્થા ગોઠવાઇ છે. • હવા-ઉજાસ માટે દરેક જહાજોમાં હોય છે એવી ગોળાકાર બારીઓ ગોઠવાઇ છે. • આ જહાજ આકારના મકાનના નિર્માણ માટે આશરે 15 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.