દીસપુરઃ આસામના બારપેટા જિલ્લામાં સ્ટેશનરીની દુકાન ધરાવતો એક દુકાનદાર બચતના સિક્કા કોથળામાં ભરીને શો-રૂમમાં આવ્યો હતો અને સ્કૂટર ખરીદીને ગયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આસામના હીરક દાસ નામના યુ-ટ્યુબરે ઉતારેલો એક વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. આસામના બારપેટા જિલ્લામાં સ્ટેશનરીની નાનકડી દુકાન ધરાવતો દુકાનદાર હફીજૂર અકંદ દરરોજ એક ગલ્લામાં સિક્કા ભેગા કરતો હતો. એક-એક સિક્કો બચાવીને તેણે સ્કૂટર ખરીદવા માટે રકમ એકઠી કરી. આઠ મહિનામાં તેણે એક, બે, પાંચ અને દસ રૂપિયાના સિક્કા બચાવીને ૨૨ હજાર ભેગા કર્યા હતા. આ સિક્કા ત્રણ કોથળા ભરીને એ બારપેટામાં સ્કૂટર શો-રૂમ પર પહોંચ્યો હતો. સિક્કા ભરેલા કોથળાનું વજન એટલું બધું હતું કે શો-રૂમના સ્ટાફથી પણ માંડ માંડ ઉંચકાતા હતા. આથી અન્ય લોકોએ પણ દુકાનદાર અને સ્ટાફને કોથળા ઉંચકાવવામાં માટે મદદ કરી હતી. કોથળા દુકાનમાં પહોંચ્યા પછી શો-રૂમનો આખો સ્ટાફ સિક્કા ગણવા બેસી ગયો હતો. કલાકો પછી સિક્કા ગણવાની કામગીરી પૂરી થઇ. કલાકોની રાહ જોયા પછી આખરે દુકાનદારને તેનું ડ્રીમ સ્કૂટર મળ્યું હતું. તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. લોકોએ દુકાનદારની સ્ટોરીને લાઈક કરી હતી અને એક-એક રૂપિયાની બચતથી શું થઈ શકે છે તેની પ્રશંસા કરી હતી. ટૂંકમાં કહીએ તો ટીપે ટીપે સરોવર ભરાય, રૂપિયે રૂપિયે સ્કૂટર ખરીદાય!
જોકે લોકોએ હફીજૂરની સાથોસાથ શો-રૂમના માલિકની પણ ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે. સાધારણ કરિયાણા કે એવી દુકાનોમાં પણ પાંચ રૂપિયા કે દસ રૂપિયાના સિક્કા આપવામાં આવે તો વેપારીનું મોઢું બગડી જતું હોય છે. ઘણી વખત તો પરચુરણ લેવાની પણ ના પાડી દેવાય છે ત્યારે આ શો-રૂમના માલિકે આટલી વિશાળ રકમના સિક્કા લેવામાં લેશમાત્ર આનાકાની કરી નહોતી અને એક સાધારણ માણસનું સ્કૂટર ખરીદવાનું સપનું સાકાર કર્યું હતું.