તિરુવનંતપુરમ્ઃ વોલમેકર્સ નામના આર્કિટેક્ચર સ્ટુડિયોએ કેરળના વડાકારામાં ‘ટોય સ્ટોરી રેસિડેન્સ’ બનાવ્યું છે. આ ઘરની ખાસિયત એ છે કે તેનો બહારનો ભાગ બનાવવા માટે ફેંકી દેવાયેલાં 6200 રમકડાંનો ઉપયોગ કરાયો છે. આ ઘર લગભગ 3800 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે.
વાસ્તવમાં, વડાકારા મ્યુનિસિપાલિટી દ્વારા વેસ્ટ રમકડાંનો ખાસ ઉપયોગ કરાય છે. રમકડાં એક વખત નકામા થયા બાદ તે પર્યાવરણ માટે હાનિકારક સાબિત થતા હોય છે. આવી સ્થિતિ ટાળવા માટે આવા રમકડાં અને મેંગલોર ટાઇલ્સનો ઉપયોગ કરીને આ ગોળાકાર ઘર તૈયાર કરાયું છે. આ ઘરની બહારની દીવાલોમાં રમકડાં રાખવામાં આવ્યાં છે. આ ઘર બધી બાજુઓથી જોઈ શકાય છે, અને તેમાં રમકડાં એવી રીતે મૂકવામાં આવ્યાં છે કે ઘરની અંદર પ્રકાશ પણ આવે અને હવાની અવરજવર પણ થઈ શકે.
આ ઉપરાંત, ઘરની દીવાલો માટીથી બનાવાઈ છે. ઘરનો આ રમકડાંનો ભાગ લોકો તેને જોઈ શકે તે હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે. ઘરના અન્ય ભાગોને બનાવવા માટે જાપાનીઝ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.