લંડનઃ બ્રિટનમાં રહેતી એક મહિલાએ ૨૨ વર્ષ અગાઉ ૧૦ પાઉન્ડમાં નકલી હીરાની વીંટી ખરીદી હતી. આ ‘નકલી ડાયમંડ’એ તાજેતરમાં તેને છપ્પરફાડ કમાણી કરાવી દીધી છે. વાત એમ છે કે ૫૫ વર્ષીય ડેબ્રા ગોડાર્ડને ડાયમંડ રીંગ પહેરવાનું ગમતું હતું. આ ઇચ્છા સંતોષવા તેણે નકલી હીરાની વીંટી ખરીદી. તાજેતરમાં તેને નાણાંની જરૂર પડતાં વીંટી વેંચવાનું વિચાર્યું. તેને હતું કે થોડાક પાઉન્ડ મળી જાય તો કામ ચાલી જશે. પરંતુ જ્વેલરે વીંટી તપાસીને જે કહ્યું તે સાંભળી તેની આંખો પહોળી થઇ ગઇ. જ્વેલરે કહ્યું આ વીંટી નકલી નહીં, પણ ૨૬.૨૭ કેરેટના અસલી હીરાની છે. આ પછી તે વીંટી લઇને ડાયમંડ એક્સપર્ટ પાસે પહોંચી તો તેણે કહ્યું કે આ તો બહુ મૂલ્યવાન જૂનો હીરો છે. તેણે ડેબ્રાને વીંટીની હરાજી કરવા સલાહ આપી. ડેબ્રાએ આમ કર્યું અને ૭.૪૦ લાખ પાઉન્ડમાં તે વેચાઇ ગઇ. હરાજીનો ખર્ચ અને ટેક્સ બાદ કરતાં ડેબ્રાના હાથમાં ૪.૭૦ લાખ પાઉન્ડ આવ્યા છે.