ડીઆરડીઓની સિદ્ધિઃ ‘સ્ટાર વોર્સ’ જેવા શક્તિશાળી લેસર વેપન અને 1000 કિલોના બોમ્બનું સફળ પરીક્ષણ

Tuesday 15th April 2025 08:14 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં ફરી એક વખત કમાલ કરી છે. ભારતે વિમાન, મિસાઈલ અને ડ્રોનને તોડી પાડવા સક્ષમ લેસર આધારિત હથિયાર વિકસાવ્યું છે. આ સાથે જ ભારત હાઈ-પાવર લેસર હથિયારો ધરાવતા પસંદગીના દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે. ભારતે કર્નૂલની નેશનલ ઓપન એર રેન્જમાં એમકે-2(એ) લેસર-ડાયરેક્ટેડ એનર્જી વેપન સિસ્ટમની સફળ ટ્રાયલ સાથે આ સિદ્ધિ મેળવી છે. આ સાથે જ ભારતે અમેરિકા, ચીન અને રશિયા જેવા દેશોની હરોળમાં સ્થાન મેળવ્યું છે.
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)ના અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર, કર્નૂલની નેશનલ ઓપન રેન્જમાં રવિવારે એમકે-2(એ) લેસર-ડાયરેક્ટેડ એનર્જી વેપન સિસ્ટમની ટ્રાયલ કરાઈ હતી. જેણે અચૂક નિશાન સાધીને મિસાઈલ, ડ્રોન અને નાના પ્રોજેક્ટાઈલ્સને તોડી પાડ્યા હતા.
આધુનિક યુગનું શસ્ત્ર ગણાતા એમકે-2(એ) ડીઈડબલ્યુ સિસ્ટમે અનેક ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવ્યા હતા તો દુશ્મનના સર્વેલન્સ સેન્સર અને એન્ટેનાને તોડી પાડ્યા હતા. આ શસ્ત્ર વીજળી જેવી ઝડપ, ચોક્સાઈ અને ગણતરીની સેકન્ડમાં ટાર્ગેટને તોડી પાડવાની ક્ષમતા અને સજ્જતા ધરાવે છે. આ સફળતાએ ભારતને અમેરિકા, ચીન અને રશિયા જેવા દેશોની વિશેષ ક્લબમાં મૂકી દીધું છે. અત્યાર સુધી આ ત્રણ દેશો જ હાઈ-પાવર લેસર ડીઈડબલ્યુ ટેક્‌નોલોજી ધરાવતા હતા. હવે આ યાદીમાં ચોથું નામ ભારતનું ઉમેરાયું છે.
‘ગૌરવ’નું સફળ પરીક્ષણ
લેસર ગાઇડેડ વેપનની સિદ્ધિના બે પૂર્વે જ ડીઆરડીઓએ લોંગ રેન્જ ગ્લાઈડ બોમ્બ ‘ગૌરવ’ની સફળ રિલીઝ ટ્રાયલ પૂરી કરી હતી. 8થી 10 એપ્રિલ દરમિયાન હાથ ધરાયેલું આ પરીક્ષણ ભારતીય વાયુસેનાના સુખોઈ-30 એમકેઆઇ વિમાન દ્વારા કરાયું હતું. પરીક્ષણ દરમિયાન આ હથિયારને અલગ અલગ ઘણાં સ્ટેશનો પર લઈ જવામાં આવ્યું હતું અને એક ટાપુ પર ગોઠવાયેલા લેન્ડ ટાર્ગેટનું સફળ નિશાન સાધ્યું હતું. આ સફળ પરીક્ષણ સાથે જ ભારતે 100 કિમીની રેન્જ સાથે પીનપોઈન્ટ એક્યૂરસી પ્રાપ્ત કરી લીધી છે. ‘ગૌરવ’ 1,000 કિલો વર્ગનો ગ્લાઈડ બોમ્બ છે. આ સંપૂર્ણ સ્વદેશી બોમ્બ ડીઆરડીઓ દ્વારા ડિઝાઈન અને ડેવલપ કરાયો છે અને તે ભારતીય વાયુસેનાની નિશ્ચિત સ્થળે જ હુમલાની જરૂરિયાત પૂરી કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter