મુંબઈ: મોટરકારની પકડાપકડી અને ધાણીફૂટ ગોળીબાર વચ્ચે બ્રિટિશ જાસૂસ 007 જેમ્સ બોન્ડ (ડેનિયલ ક્રેગ)ને તેની પ્રેમિકા સવાલ કરે છે કે ‘હું તને શા માટે દગો આપું?’ તો સામે બોન્ડ કહે છે, ‘કારણ કે આપણાં બધાનાં રહસ્યો હોય છે, પણ તારું હજી જાણવા નથી મળ્યું...’
લાંબા સમયથી જેની રાહ જોવાઇ રહી છે તે જેમ્સ બોન્ડની ફિલ્મ ‘નો ટાઈમ ટુ ડાઈ’ ૩૦મી સપ્ટેમ્બરે રજૂ થઇ રહી છે અને આ ફિલ્મમાં તમને ગુજરાતીમાં આવા સંવાદો સાંભળવા મળે તો આશ્ચર્ય ન પામતાં કારણ કે બોન્ડ શ્રેણીની ફિલ્મ પહેલી વખત ગુજરાતી ડબિંગ સાથે રિલીઝ થઇ રહી છે.
007ના ટ્વિટર એકાઉન્ટ પર આ મૂવીનું ફાઈનલ ઈન્ટરનેશનલ ટ્રેલર રિલીઝ થઇ ગયું છે અને એની સાથે જ એની રિલીઝ ડેટ પણ જાહેર થઈ છે. આ ટ્રેલરમાં બોન્ડ એક સિક્યુરિટી ગાર્ડને કહે છે, ‘નામ છે બોન્ડ... જેમ્સ બોન્ડ!’
આ ફિલ્મ ઈંગ્લિશ ઉપરાંત હિન્દી, કન્નડ, તામિલ, તેલુગુ, મલયાલમ, પંજાબી, ભોજપુરી અને બંગાળીમાં જ નહીં પરંતુ ગુજરાતીમાં પણ રિલીઝ થશે.
કેરી જોજી ફુકુનગા દ્વારા નિર્દેશિત ‘નો ટાઈમ ટુ ડાઈ’માં વિલન લુસિફર સેફિન તરીકે રમી મલેક, બોન્ડની પ્રેમિકા ડો. મેડેલિને સ્વેનના રોલમાં લી સેડોક્સ, નવા સિક્રેટ એજન્ટ નોમી તરીકે લેશના લિન્ચ, MI6 ક્વાર્ટર માસ્ટર ક્યૂ તરીકે બેન વિશો તેમજ એમઆઈMI6ના વડા એમ તરીકે રાલ્ફ કિન્નેસ સહિત અનેક જાણીતા કલાકારો જોવા મળશે.
સિનેમાજગતના ઇતિહાસમાં સૌથી લાંબા સમયથી ચાલતી ફિલ્મ ફ્રેન્ચાઈઝીમાં જેમ્સ બોન્ડનો સમાવેશ થાય છે. જેનો દુનિયાની જેમ જ ભારતમાં પણ બહોળો ચાહકવર્ગ છે. જોકે, હવે આંતરરાષ્ટ્રીય ફિલ્મકારો વધુને વધુ દર્શકો આકર્ષવા માટે ભારતની પ્રાદેશિક ભાષાઓને લક્ષમાં રાખીને આગળ વધી રહ્યા છે.
ગુજરાતમાં ફરી એક વાર ગુજરાતી સિનેમા ચેતનવંતુ થયું હોવાના અણસાર મળી રહ્યાં છે ત્યારે આનો લાભ ઊઠાવવા બોન્ડની આગામી ફિલ્મમાં ગુજરાતી દર્શકોને વિશેષ ખ્યાલ રાખીને ગુજરાતીમાં પણ ફિલ્મ રજૂ કરવાનું નક્કી થયું છે. આમ, પહેલી વાર કોઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ સીધી ગુજરાતીમાં ડબ થઈ રજૂ થશે.