રાયબરેલીઃ ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લામાં પશુપ્રેમનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. આ રસપ્રદ ઘટનામાં સૌથી મોટું પાત્ર ચુનમુન નામનો વાનર છે. ચુનમુનના કારણે એક મહિલાના જીવનમાં એટલી બધી ખુશીઓ આવી કે તેણે તેની પૂરી સંપત્તિ આ પાલતુ વાનરના નામે કરી દીધી. ચુનમુનનું ગયા વર્ષે મૃત્યુ થતાં મહિલાએ ઘરમાં તેનું મંદિર પણ બંધાવ્યું. ગયા સપ્તાહે આ મંદિરમાં શ્રી રામ-લક્ષ્મણ-જાનકીની સાથે સાથે ચુનમુનની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા કરાઇ. મહિલાએ તેના ઘરનું નામ પણ ‘ચુનમુન’ રાખ્યું છે.
રાયબરેલીના શક્તિનગરનાં કવયિત્રી સાબિસ્તાને આ વાનર ૧૩ વર્ષ અગાઉ મળ્યો હતો. સાબિસ્તાનું માનવું છે કે ચુનમુનના આગમન બાદ તેમની જિંદગી બદલાઇ ગઇ. ચુનમુન તેમના માટે ભાગ્યશાળી સાબિત થયો. સાબિસ્તા મુસ્લિમ હોવા છતાં તેમણે તેમના ઘરમાં મંદિર બંધાવ્યું. તેમણે ૧૯૯૮માં બ્રિજેશ શ્રીવાસ્તવ સાથે લવ મેરેજ કર્યા હતા. તેમને કોઇ સંતાન નથી. સાબિસ્તાના કહેવા મુજબ, 'અમે લવ મેરેજ કર્યા તો જીવવું મુશ્કેલ થઇ ગયું હતું. કામકાજ ઠપ થઇ જતાં દેવું વધતું ગયું. માનસિક શાંતિ માટે અમે સાધુ-સંતોના શરણે જવા લાગ્યા. આ દરમિયાન ૨૦૦૫ની પહેલી જાન્યુઆરીએ ચુનમુન અમારા ઘરનો નાનો મહેમાન બન્યો. અમે એક મદારી પાસેથી ચુનમુનને લીધો ત્યારે તે માંડ ત્રણ મહિનાનો હતો. ચુનમુન અમારા માટે ભાગ્યશાળી સાબિત થયો. અમારું દેવું તો ઉતરી જ ઉતરી ગયું અને ધનદોલત પણ ખૂબ મળી.'
સાબિસ્તાએ ચુનમુનનો સારી રીતે ઉછેર કર્યો. તેના માટે એસી અને હીટરની પણ સગવડ કરાઇ હતી. ૨૦૧૦માં નજીકના છજલાપુરના એક શખસની પાલતુ વાંદરી સાથે ચુનમુનના લગ્ન પણ કરાવ્યા હતા. સાબિસ્તાને સંતાન ન હોવાથી તેણે ચુનમુનને જ પોતાનો દીકરો માની લીધો હતો. તેના નામથી એક સંસ્થા બનાવી અને તમામ સંપત્તિ તેના નામે કરી દીધી છે.