તમારા પાસવર્ડ્સ આટલા સરળ છે?

Wednesday 01st December 2021 06:42 EST
 
 

લંડનઃ ‘અલીબાબા અને ચાલીસ ચોર’ની વાર્તામાં છુપા ખજાનાનો દરવાજો ખોલવા ‘ખુલ જા સીમ સીમ’ શબ્દપ્રયોગ કરાયો હતો તે કદાચ સૌથી પહેલો અથવા સાંકેતિક શબ્દ-પાસવર્ડ હોઈ શકે છે. વર્તમાન યુગમાં લોકો દ્વારા મોબાઈલથી માંડી અંગત અને ઓફિસના કોમ્પ્યુટર તથા સોશિયલ મીડિયાની સાઈટ્સ માટે વિવિધ પાસવર્ડ્સનો ઉપયોગ થાય છે. ‘NordPass Most Common Passwords’ના વાર્ષિક રિપોર્ટ અનુસાર વિશ્વમાં સૌથી લોકપ્રિય પાસવર્ડ્સમાં આજે પણ ‘123456’, ‘qwerty’ અને ‘password’નો ઉપયોગ પ્રચલિત છે જ્યારે ઘણા લોકો પોતાના નામનો જ પાસવર્ડ તરીકે ઉપયોગ કરે છે. સાઈબર હેકર્સને આવા પાસવર્ડ્સ ખોલી નાખવામાં માત્ર એક સેકન્ડનો સમય લાગે છે તેમ રિપોર્ટમાં જણાવાયું છે.

આપણને સહુને વિચિત્ર લાગે તેવા અને સુરક્ષિત પાસવર્ડ્સનો ઉપયોગ કરવા અવારનવાર ચેતવણી અપાતી હોવાં છતાં મોટા ભાગના લોકો સરળતાથી અનુમાન કરી શકાય તેવા પાસવર્ડ્સનો ઉપયોગ કરે છે. ‘નોર્ડપ્રેસ મોસ્ટ કોમન પાસવર્ડ્સ’ દ્વારા જાહેર કરાયેલા વાર્ષિક રિપોર્ટમાં જણાવાયું છે કે વિવિધ જાતિ, લિંગ અને પ્રદેશોમાં પાસવર્ડ્સમાં ઘણો તફાવત રહેવાં છતાં, આજે પણ ‘123456’, ‘qwerty’ અને ‘password’નો ઉપયોગ લોકપ્રિય છે. ઘણા લોકો પોતાના નામ અથવા જન્મતારીખને જ પાસવર્ડ બનાવી દે છે જ્યારે, પાલતુ પ્રાણી, સ્પોર્ટસ ટીમ, કાર બ્રાન્ડ્સ અને મ્યુઝિકલ બેન્ડના નામનો ઉપયોગ પણ પ્રચલિત છે.

સૌથી સામાન્ય પાસવર્ડ ‘123456’ છે વિશ્વમાં આશરે ૧૦૩,૧૭૦,૫૫૨ લોકો તેનો ઉપયોગ કરે છે. આ જ રીતે બીજા અને ત્રીજા ક્રમે ‘123456789’ અને ‘12345’ આવે છે જેનો ઉપયોગ અનુક્રમે ૪૬,૦૨૭,૫૪૦ અને ૩૨,૯૫૫,૪૩૧ લોકો દ્વારા કરાય છે. ટોપ ટેન પાસવર્ડ લિસ્ટમાં ‘qwerty’, ‘password’ અને ‘111111’ પણ આવે છે. ભારત અને જાપાનમાં ‘password’ સામાન્ય પાસવર્ડ છે જ્યારે ઈન્ડોનેશિયા, પોર્ટુગલ, સ્પેન અને થાઈલેન્ડના લોકો ‘12345’ને પસંદ કરે છે. બ્રિટિશરો માટે સૌથી પ્રચલિત ‘123456’ હોવાની સાથે ફૂટબોલ ટીમો ‘liverpool’ અને ‘arsenal’નો વપરાશ પણ વધુ છે. ચિલીમાં ‘Colocolo’ સૌથી સામાન્ય પાસવર્ડ છે જ્યારે બ્રાઝિલમાં ‘nacional’, ઝેક રિપબ્લિકમાં ‘sparta’, ફ્રાન્સમાં ‘marseille’, જર્મનીમાં ‘schalke04’, આયર્લેન્ડમાં ‘guinness’, નાઈજિરિયામાં ‘christ’, સાઉદી અરેબિયામાં ‘bismillah’ સામાન્ય પાસવર્ડ છે.

ESETના સાઈબર સિક્યુરિટી નિષ્ણાત જેક મૂરના કહેવા અનુસાર નબળા પાસવર્ડ સાથે સંકળાયેલા જોખમોથી ઘણા લોકો અજાણ છે. લોકોએ તેમના થકી ઉપયોગમાં લેવાતી વિવિધ સાઈટ્સ માટે પાસવર્ડ રાખવા જોઈએ અને પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરવો જોઈએ જે દરેક સાઈટ માટે અલગ અલગ પાસવર્ડ તૈયાર કરે અને તમારે વિગતો યાદ રાખવાની જરૂર પણ રહે નહિ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter