તમારે ‘આદર્શ વહુ’ જોઈએ છે? તો સંપર્ક કરો આ યુનિવર્સિટીનો

Saturday 15th September 2018 07:28 EDT
 
 

ભોપાલઃ શું તમારે સંસ્કારી વહુ જોઈએ છે? તો ભોપાલની બરકતુલ્લાહ યુનિવર્સિટીમાં પહોંચો. યુનિવર્સિટીએ ‘આદર્શ વહુ’ તૈયાર કરવા આગામી શૈક્ષણિક સત્રથી ટૂંકી મુદતનો અભ્યાસક્રમ શરૂ કરવા નક્કી કર્યું છે. યુનિવર્સિટીનું માનવું છે કે મહિલા સશક્તિકરણની દિશામાં આ એક મહત્વનું પગલું છે. ઉપકુલપતિ પ્રોફેસર ડી. સી. ગુપ્તાએ જણાવ્યું હતું કે લગ્ન પછી નવા વાતાવરણમાં અનુકૂળ થઈને રહી શકે તે માટે કન્યાને તૈયાર અને જાગ્રત કરવાના હેતુસર આ અભ્યાસક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. યુનિવર્સિટી માત્ર શૈક્ષણિક કાર્ય સુધી સીમિત ના રહી શકે. સમાજ પ્રત્યે પણ તેની જવાબદારી છે. કુટુંબને એક તાંતણે બાંધીને રાખે તેવી વહુ તૈયાર કરવાનો અભ્યાસક્રમનો હેતુ છે.
સમાજવિજ્ઞાન અને માનસશાસ્ત્ર વિભાગમાં આ અભ્યાસક્રમ પાઇલટ પ્રોજેક્ટના સ્વરૂપમાં શરૂ થશે. અભ્યાસક્રમની વિગતો આપતાં પ્રોફેસર ગુપ્તાએ જણાવ્યું હતું કે સમાજવિદ્યા અને માનસશાસ્ત્રમાંથી કેટલાક પ્રકરણો અભ્યાસક્રમમાં લેવામાં આવશે. કન્યા અભ્યાસક્રમને અંતે પરિવારના વિવિધ આયામો વિશે સમજતી થાય તે અભ્યાસક્રમનો હેતુ છે. પ્રથમ બેચમાં ૩૦ કન્યાને પ્રવેશ આપવામાં આવશે.
પ્રવેશ માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત વિષે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે આ મુદ્દે હજી વિચારણા બાકી છે. કન્યા અભ્યાસક્રમ પૂરો કરે તે પછી વાલીનાં મંતવ્યો પણ જાણવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter