ચેન્નઈઃ તામિલનાડુના તાંજાવુર જિલ્લાના તિરુવિસાનાલૂરના શિવોગીનાથર મંદિરમાં ૧૪૦૦ વર્ષ જૂની સૂર્ય ઘડિયાળ સમય બતાવે છે. મંદિરની દિવાલથી ૩૫ ફૂટ ઉંચાઇ પર આવેલી આ ઘડિયાળ ચૌલ રાજાઓના અસીમજ્ઞાન અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પ્રાચીન સમયમાં ઘડિયાળો પાવર કે ચાવીથી નહીં, પરંતુ સોલાર સિસ્ટમથી ચાલતી હતી.
દિવાલ પર ગ્રેનાઇટથી કોતરવામાં આવેલી આ અર્ધમંડળ ઘડિયાળની પિતળની સોય સૂર્યના કિરણો પડે કે તરત જ ચળકાટના લીધે સમય દર્શાવવા લાગે છે. આ માટે ત્રણ ઇંચ લાંબી પિતળની સોયને ક્ષિતિજ રેખાના કેન્દ્રમાં સ્થિર રાખવામાં આવે છે. જોકે, આ સોલાર ઘડિયાળ રાત્રિના સમય બતાવતી નથી. એક જમાનામાં મંદિર આવતા ભકતો સવારે ૬ વાગ્યાથી માંડીને સાંજના ૬ વાગ્યા સુધીનો સમય આ ઘડિયાળમાં જોઇને પોતાની દિનચર્યા સેટ કરતા હતા. આ ઘડિયાળમાં જોવા મળતા અંગ્રેજી નંબરો બ્રિટિશર્સે પોતાની સુવિધા ખાતર સામેલ કર્યા હોવાનું માનવામાં આવે છે.
૧૪૦૦ વર્ષ જૂના આ મંદિરમાં સૂર્ય ઘડિયાળ આજે પણ લોકોનું આકર્ષણ છે. સમયની સાથે પિતળની સોયનો ચળકાટ ઝાંખો પડયો હોવાથી ઘડિયાળની મરામતની જરૂરત છે. પ્રાચીન સમયમાં અનેક લોકો આ સૂર્ય ઘડિયાળ સમક્ષ બેસીને તપ કરતા હતા. વિશ્વમાં આધુનિક ઘડિયાળની શોધ થઇ ન હતી ત્યારે સમય જાણવા માટે સોલાર ઘડિયાળનો ઉપયોગ થતો હતો. પ્રાચિન વૈદિકકાળમાં સોલાર ઘડીનો ઉલ્લેખ જોવા મળે છે. દિલ્હીની જંતરમંતર વેધશાળા એક ગોળાકાર અને સૌર ઘડિયાળનું વિશાળ સ્વરૂપ છે.