નવી દિલ્હીઃ પશ્ચિમ ઓડિશાના ૬૬ વર્ષીય કવિ હલધર નાગ ત્રણ ચોપડી સુધી પણ ભણ્યા નથી, પણ પીએચ.ડી. કરનારા પાંચ વિદ્યાર્થીઓએ તેમની કવિતાઓને પોતાનાં સંશોધનનો વિષય બનાવ્યો છે.
કોસલી ભાષામાં લખનારા હલધર નાગને ગયા સપ્તાહે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના હસ્તે પદ્મશ્રી સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું. હલધરને પોતાની તમામ કવિતાઓ અને ૨૦ મહાકાવ્યો કંઠસ્થ છે. સંબલપુર યુનિવર્સિટી હલધરની રચનાઓને પુસ્તકરૂપે લાવવાની યોજના બનાવી રહી છે, જેને યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સમાવાશે.
હલધરે જણાવ્યું હતું કે, તેમને એ વાત જાણીને આનંદ થાય છે કે, નવયુવાનો કોસલી ભાષામાં તેમણે લખેલી કવિતાઓને પસંદ કરે છે. ઉલ્લેખનીય છે કે, હલધરે ક્યારેય જૂતા કે ચંપલ પહેર્યા નથી. તેઓ ફક્ત એક ધોતી અને બંડી પહેરે છે. વર્ષ ૧૯૫૦માં ઓડિશાના બરગાહ જિલ્લાના ઘીંસ ગામમાં એક ગરીબ પરિવારમાં જન્મેલા હલધર ત્રીજા ધોરણ સુધી જ ભણી શક્યા હતા કારણ કે તેમના પિતાનું અવસાન થઈ જવાથી તેમણે નાણા કમાવા માટે કામ કરવાનું શરૂ કરી દેવું પડયું હતું. તેમણે એક મીઠાઈની દુકાનમાં વાસણ માંજવાથી કામની શરૂઆત કરી હતી.