થોડી થોડી વારે રંગ બદલતી અનોખી સાડી

Monday 09th October 2023 10:24 EDT
 
 

હૈદરાબાદ: તેલંગણના એક વણકરે એવી અનોખી સાડી બનાવી છે, જેને તમે થોડી થોડી વારે રંગ બદલતા કાચીંડા સાથે સરખાવી શકે. રેશમમાંથી વણાયેલી આ સાડીનો રંગ અલગ અલગ શેડ્સ સાથે આપોઆપ બદલાતો રહે છે. આ સાડીને વણવા માટે સોના - ચાંદી ઉપરાંત અલગ અલગ પ્રકારના રેશમના તારનો ઉપયોગ કરાયો છે. આ સાડી બનાવવા માટે કલા-કસબ અને સોના-ચાંદી જેવી મૂલ્યવાન ધાતુનો ઉપયોગ થયો છે ત્યારે સ્વાભાવિક છે કે તેની કિંમત પણ ઊંચી જ હોવાની. આ સાડીની કિંમત છે અઢી લાખ રૂપિયા.
કલાકાર જેવું કૌશલ્ય ધરાવતા સિરસિલા શહેરના 33 વર્ષના વણકર નલ્લા વિજયે આ સાડી બનાવી છે. તેલંગણના મંત્રી કે.ટી. રામારાવે હાલમાં જ હૈદરાબાદમાં ડો. બી.આર. આંબેડકર સચિવાલયમાં આ ઈનોવેટિવ સાડી લોન્ચ કરી હતી. સાથે જ ચેનાથ કલારત પુરસ્કાર વિજેતા વિજયની કલાને બિરદાવી હતા. વિજયે પોતાના સ્વર્ગીય પિતા નલ્લા પરમધામુલુ પાસેથી પરંપરાગત કલા શીખી હતી.
વિજયે જણાવ્યું છે કે, તેમણે સાડી વણવા માટે 30 ગ્રામ સોનું, 500 ગ્રામ ચાંદી અને અલગ અલગ રંગ સાથે રેશમના દોરાનો ઉપયોગ કર્યો. સાડી વલણમાં તેને 30 દિવસ લાગ્યા હતા અને જંગી ખર્ચ પણ થયો છે. તેમણે જણાવ્યું છે કે, આ સાડીની કિંમત 2.50 લાખ રૂપિયા છે.
વિજયે એમ પણ જણાવ્યું કે, 6.30 મીટર લાંબી અને ચાર ફૂટ પહોળી સાડીનું વજન 600 ગ્રામ છે. વિજય કહે છે કે, ખ્યાતનામ બિઝનેસમેન ડોરાપુડી વિષ્ણુએ તેમની પ્રતિભાને ઓળખી અને આ સાડીને બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. તેઓ ટૂંક સમયમાં 25 લાખની કિંમતવાળી એક શાનદાર સાડી વણવાનું શરૂ કરવાના છે.
વિજયે તિરુપતિની નજીક તિરુચાનૂરમાં દેવી અલોમેલુ મંગા પદ્માવતી દેવી, વિજયવાડામાં દેવી કનક દુર્ગા અને વેમુલાવાડામાં દેવી પાર્વતી અને ભગવાન રાજ રાજેશ્વર સ્વામીને હાથવણાટના રેશમના વસ્ત્રો બનાવી આપ્યા છે. વિજયે દેવીદેવતાઓની માચિસ બોક્સમાં સમાઇ જાય તેવી રેશમી સાડી પણ બનાવી આપી છે. તો તેણે સુગંધીદાર સાડી પણ બનાવી, મોટી સોયના કાણામાંથી નીકળી જાય તેવી એકદમ નરમ સાડી પણ બનાવી ચૂક્યા છે અને હવે તેણે કાચીંડાની જેમ રંગ બદલતી સાડી પણ બનાવી છે. આ સાડીને જોઈને ભલભલા લોકો નવાઈ પામે છે. જેનો રંગ અલગ અલગ શેડ્સ સાથે બદલાતો રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter