અલીગઢ: ઉત્તર પ્રદેશનું અલીગઢ તેના તાળાં ઉદ્યોગ માટે દુનિયાભરમાં જાણીતું છે. તાળાં બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા શહેરના એક વૃદ્વ દંપતી - સત્યપ્રકાશ શર્મા અને રુકમણી શર્મા ૩૦૦ કિલો વજનનું ભારેખમ તાળું બનાવીને સમાચારોમાં છવાઇ ગયા છે. આ તાળાની ઊંચાઇ ૬ ફૂટ ૨ ઇંચ જ્યારે પહોળાઇ ૨ ફૂટ સાડા ૯ ઇંચ છે. તેની ચાવી ૪૦ ઇંચની એટલે કે ત્રણ ફૂટ કરતાં પણ મોટી છે અને તેનું વજન છે ૧૨ કિલો. આ તાળું દુનિયામાં સૌથી મોટું તાળું હોવાનો દાવો કરાયો છે. અંદાજે એક લાખ રૂપિયાથી વધુ ખર્ચે તૈયાર થઇ રહેલું તાળું બનાવવામાં શર્મા દંપતીને એક વર્ષનો સમય લાગ્યો છે. તાળાંની બનાવટમાં ૬૦ કિલો પિત્તળ અને લોખંડ વપરાયું છે. તાળું લગભગ તૈયાર છે અને હાલ દંપતી તેને નમૂનેદાર દેખાવ માટે ફિનિશિંગ ટચ આપી રહ્યા છે.
આ દંપતી અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિર માટે પણ એક ભવ્ય તાળું બનાવવા માગે છે. શર્મા દંપતી કહે છે કે તેઓ કંઇક એવું કાર્ય કરવા માગતા હતા કે જેથી અલીગઢની સાથોસાથ તેમનું નામ પણ રોશન થાય. સત્યપ્રકાશ શર્મા કહે છે કે તાળાંની બનાવટમાં તેમના પત્ની રુક્મણીએ તેમને ઘણી મદદ કરી. સત્ય પ્રકાશની સાસરીમાં પણ તાળાં બનાવવાનું કામ થતું હોવાથી રુકમણી તાળાં બનાવવાની કળા પિયરમાંથી જ શીખીને આવ્યા હતા. પતિને હૃદયરોગની તકલીફ હોવાથી ૩૦૦ કિલોનું તાળું બનાવવામાં રુકમણીએ દરેક તબક્કે પતિને સાથ આપ્યો હતો.