પટણાઃ એક અત્યંત આશ્ચર્યજનક બનાવમાં બિહારના મુઝફ્ફર જિલ્લામાં ડોકટર્સની ટીમે સર્જરી કરીને એક આધેડના પેટમાંથી કાચનો ગ્લાસ બહાર કાઢ્યો છે. દર્દી લાંબા સમયથી પેટમાં દુઃખાવો થતો હોવાની અને કબજિયાતની ફરિયાદ સાથે અહીંની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો હતો. ડોક્ટરોએ અલ્ટ્રાસાઉન્ડ અને એક્સ રે કરાવતાં આંતરડામાં કંઈક ગરબડ હોવાનું જોવા મળતાં સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો. અને સર્જરી કરી ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. આંતરડામાંથી કાચનો ગ્લાસ મળ્યો હતો. વૈશાલી જિલ્લાના મહુઆના રહેવાસી આધેડનો દાવો છે કે ચા પીતી વખતે તે કાચનો ગ્લાસ ગળી ગયો હતો. જોકે, ડોક્ટરો માને છે કે આવું સંભવ નથી. અન્નનળીમાં કાચનો ગ્લાસ રહી શકે જ નહીં. મળમાર્ગે ગ્લાસ ન નીકળતાં આખરે સર્જરી કરી કાઢવામાં આવ્યો. હવે તેની તબિયત સારી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ૨૦૨૦માં ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના એક દર્દીના પેટમાંથી ૩૦ ખીલી, નાનો સળિયો, પેચકેસ સહિત ૩૬ ચીજવસ્તુ નીકળી હતી. ગત વર્ષ ઈજિપ્તની એક હોસ્પિટલના ડોક્ટરોએ દર્દીના પેટમાંથી મોબાઈલ ફોન કાઢ્યો હોવાની ઘટના પણ અખબારોમાં ચમકી હતી.