દશેરાએ બધા ભલે રાવણનું દહન કરે, પણ રાવણનું પૂજનઅર્ચન થાય છે!

Tuesday 19th October 2021 15:08 EDT
 
 

નવી દિલ્હીઃ દશેરાનું પર્વ એટલે અધર્મ સામે ધર્મના વિજયનો લોકોત્સવ. દશેરાએ ભારતભરમાં રાવણનું દહન થાય છે કેમ કે રાવણ પરાક્રમી અને જ્ઞાની તો હતો પરંતુ તેનામાં રહેલો અહંકાર પહાડ કરતાં પણ ઉંચો હતો. દશાનન રાવણ પાસે શકિતઓ અને સિદ્ધિઓ પણ ખૂબ હતી. ભગવાન શ્રીરામે આવા અધર્મી રાવણને મારીને લંકાની ધરતીને પાપમુકત કરી હતી. રામ સૌના આરાધ્ય દેવ છે, પરંતુ કેટલાક સ્થળ એવા પણ છે જયાં રાવણનું ભારે શ્રદ્ધાપૂર્વક પૂજનઅર્ચન થાય છે.
જેમ કે, કાનપુરમાં ૧૫૦ વર્ષ જુના મંદિરમાં દશેરાના દિવસે વિશેષ આરાધના કરવામાં આવે છે. નવાઇની વાત તો એ છે કે આ મંદિર વર્ષમાં માત્ર એક જ વાર ખુલે છે.
સવારે આઠ વાગે મંદિરના કપાટ ખુલે ત્યારે તેલનો દીવો કરવામાં આવે છે. રાવણની પ્રતિમાનો સાજ શણગાર કરવામાં આવે છે ત્યાર પછી આરતી ગાવામાં આવે છે. સાંજે મંદિરના દ્વાર બંધ કરવામાં આવે છે, જે એક વર્ષ પછી દશેરા પર્વે જ ખોલવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઇ.સ. ૧૮૬૮માં પરમ શિવભકત મહારાજ ગુરુ પ્રસાદ શુકલે મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
મધ્ય પ્રદેશમાં આવેલા મંદસૌરનું અસલી નામ દશપુર હતું, જે રાવણની પત્ની મંદોદરીનું પિયર અને રાવણનું સાસરુ હતું. આથી જમાઇને માન-સન્માન આપવાની ભારતીય પરંપરાના ભાગરૂપે આ નગરમાં પણ રાવણના પૂતળાનું દહન કરવાના સ્થાને તેની પૂજા કરવામાં આવે છે.
ગ્રેટર નોઇડા બિસરખમાં રાવણ મંદિર તો વિવાદનું કેન્દ્ર રહ્યું છે. દેશમાં રાવણના કેટલાક મંદિરો આવેલા છે, અને તેમાં બિસરખનું નામ અચૂક લેવાય છે.
અહીં રાવણનું પૂતળું બાળીને દશેરા મનાવવામાં આવતા નથી. બિસરખ કસ્બામાં નવરાત્રિ પણ આયોજીત થતી નથી. આ પ્રથાથી ઘણા લોકો નારાજ પણ રહે છે.
કર્ણાટક રાજયના કોલાર જિલ્લામાં રાવણ શિવભકત હતો, આથી રાવણની પૂજા કરવામાં આવે છે. કર્ણાટકના મંડયા જિલ્લાના માલવલી નામના સ્થળે પણ રાવણને શિવભકત તરીકે માન આપવામાં આવે છે.
રાજસ્થાનના જોધપુરમાં કેટલાક સમુદાયના લોકો રાવણનું પૂજન કરે છે એટલું જ નહી પોતાને રાવણના વંશજ સમજે છે. આંધ્રપ્રદેશના કાકિનાડામાં પણ શિવ મંદિરની સાથે રાવણ મંદિર પણ આવેલું છે. લોકો ભગવાન શ્રીરામની શકિતનો કોઇ જ ઇન્કાર કરતા નથી પરંતુ રાવણને પણ શકિત સમ્રાટ માને છે.
મંદિર દરિયાકાંઠા પાસે હોવાથી પર્યટન સ્થળ પણ બન્યું છે. આંધ્રપ્રદેશમાં આ એક માત્ર સ્થળ જયાં રાવણની પૂજા થાય છે. હિમાચલપ્રદેશમાં કાંગડા જિલ્લાના એક કસ્બામાં પણ રાવણની પૂજા થાય છે. રાવણે અહીંયા ભગવાન શિવની આરાધના કરી હતી એવું માનવામાં આવે છે. સ્થાનિક લોકો રાવણ દહન ઉત્સવ કરવાના સ્થાને મંદિરમાં આવીને પૂજા કરે છે. ઉત્તરપ્રદેશના બિસખમાં પણ રાવણનું મંદિર બનાવવામાં આવ્યું છે.
મહારાષ્ટ્ના અમરાવતીમાં ગઢ ચિરોલી નામના સ્થળે આદિવાસી સમુદાય રાવણ અને તેમના પુત્રને દેવતા માને છે. તેઓ દશેરા નહી પરંતુ ફાગણ મહિનામાં રાવણનું પૂજન કરે છે. ઉત્તરપ્રદેશના જસવંતનગરમાં રાવણ દહનના સ્થાને ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓ લોકો પોતાના ઘરે લઇ જાય છે. ૧૩ દિવસ સુધી રાખીને તેનું તર્પણ કરે છે.
મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લામાં તો રાવણ નામનું એક ગામ જ છે. આ ગામના લોકો રોજ રાવણની આરતી ઉતારે છે. ભારતમાં આ એક માત્ર એવું સ્થળ કે જયાં રાવણની મૂર્તિ સૂતેલી અવસ્થામાં છે. લગ્ન જેવો શુભ પ્રસંગ હોય ત્યારે લોકો રાવણને કંકોતરી અવશ્ય લખે છે. છેલ્લા કેટલાક વર્ષોથી દશેરાની પૂજા ભવ્ય રીતે થવા લાગી છે. વિદિશાથી ૫૦ કિમી દૂર આવેલા આ ગામમાં લોકો મહાબલી રાવણ પાસે સુખ અને સમૃધ્ધિની કૃપા માંગે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter