લંડનઃ બ્રિટનમાં ૫૫ વર્ષની દાદી શેરોન કટ્સે આઈવીએફ ટેકનિકથી એક સાથે ટ્રીપ્લેટ એટલે કે ત્રણ બાળકોને જન્મ આપ્યો છે. આટલી મોટી ઉંમરે એક સાથે ત્રણ બાળકોને જન્મ આપનારી દુનિયાની તે સૌથી પહેલી મહિલા બની છે. શેરોને કહ્યું હતું કે, એનએચએસ દ્વારા માત્ર ૪૨ વર્ષની વય સુધી જ આવી સારવાર અપાય છે. આથી યુગલે સાયપ્રસમાં ૨૨,૦૦૦ પાઉન્ડ ખર્ચી સારવાર મેળવી હતી અને શેરોને આઈવીએફ ટેકનિકથી ત્રણ બાળકોને જન્મ આપ્યો છે.
લિંકનશાયરના બોસ્ટનની નિવાસી ગ્લેમરસ શેરોન કટ્સે ચાર બાળકોની માતા છે. શેરોન અને તેના ૪૦ વર્ષીય બોયફ્રેન્ડ સ્ટુઅર્ટ રેનોલ્ડસે બાળકોનાં નામ મેસન, રેયાન અને લિલી રાખ્યાં છે. લિલી દીકરી છે જ્યારે બાકીના બંને પુત્ર છે. આ ત્રણેયનો જન્મ ૨૧મી માર્ચે નોટિંગહામમાં થયો હતો. સાયપ્રસમાં શેરોનની હમશક્લ મહિલાના એગ્સ મેળવી બોયફ્રેન્ડના સ્પર્મથી ફલિત કરીને શેરોનના ગર્ભાશયમાં મૂકવામાં આવ્યા હતાં.
શેરોનને પહેલા પતિથી ચાર બાળકો છે. માતા બનવા માટે શેરોને રૂપિયા ૧૫,૦૦૦ પાઉન્ડની લોન લીધી છે અને બાકીના ૭,૦૦૦ પાઉન્ડ તેણે સેવિંગ્સમાંથી વાપર્યા છે.