લંડનઃ એક સમયે હિંદી ફિલ્મોમાં સાહસિક કામ કરીને ભારે લોકપ્રિયતા મેળવનાર ફિયરલેસ નાદિયાની યાદ અપાવે એવો એક કિસ્સો લંડનમાં નોંધાયો છે. આ ફિયરલેસ વુમન છે ૯૦ વર્ષના એક વૃદ્ધાં હતા, જેમણે ૧૫ હજાર ફૂટની ઉંચાઇએથી સ્કાયડાઇવિંગ કરીને સૌને ચોંકાવી દીધા છે.
ડેવનના એક્સટરના નિવાસી એવા આ સાહસિક દાદીમા સ્ટેલા ગિલાર્ડે ભારપૂર્વક કહ્યું હતું કે ચેરિટીના ધર્માદા કામ માટે આટલી ઉંચાઈથી છલાંગ લગાવતી વખતે તેમને જરાય ડર લાગ્યો નહોતો. ગિલાર્ડના આ સાહસના કારણે વિશ્વ કેન્સર સંશોધન માટે ૧૫૮૦ પાઉન્ડ ભેગા કરી શકાયા હતા.
પાંચ વર્ષ પૂર્વે ૨૦૧૦માં કેન્સરના કારણે ગુજરી ગયેલી તેમની પુત્રી કેથીની યાદમાં આ વૃદ્ધ પેન્શનરે આ સાહસિક કામ કર્યું હતું.
‘એકદમ ઇમાનદારીથી વાત કરું તો મને જરાય ડર લાગ્યો નહોતો. મારા ઇન્સટ્રકટરે મને સતત માર્ગદર્શન આપ્યું હતું અને મેં તેમની પર સંપુર્ણ ભરોસો કર્યો હતો’ એમ સ્ટેલાએ કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે ‘પેરાશુટ ખુલે એ પહેલાની થોડીક ક્ષણો જરૂર ગભરામણ કરાવનાર હતી કારણ કે પેરાશુટ ખુલવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપી હતી. જોકે આ ખૂબ સુંદર અનુભવ રહ્યો. હું તો જાણે એક પક્ષીની જેમ ઉડતી હતી અને નીચેના દૃશ્યો જોતી હતી.’