અમદાવાદઃ બદલાઇ રહેલા પર્યાવરણની વિપરિત અસર આખી દુનિયા પર પડી રહી છે અને તેમાંથી જગવિખ્યાત દાર્જિલિંગ ચા પણ બાકાત રહી નથી. ચાનું ઉત્પાદન અમુક પ્રકારના ચોક્કસ હવામાનમાં જ થઈ શકે છે. આમાં જરા પણ ફેરફાર થાય તો ઉત્પાદન પર વિપરિત અસર પડી શકે છે. દાર્જિલિંગ ટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર (ડીટીઆરડીસી)એ બદલતા હવામાનના કારણે ઉત્પાદન ઘટવા અંગે ચેતવણી ઉચ્ચારી છે. ઉત્પાદન ઘટવાની સાથોસાથ ઉપરાંત અત્યારે તો ચાની ગુણવત્તા પણ નબળી પડી રહી છે, જે ટી-એસ્ટેટના સંચાલકો માટે ચિંતાનો વિષય બન્યો છે.
દાર્જિલિંગની ચા જ્યાં પેદા થાય છે એવા પાંચ વિસ્તારના તાપમાનમાં છેલ્લા બે દાયકામાં અડધાથી એક ડીગ્રીનો વધારો થયો છે. ચાના છોડવા ઢોળાવ પર, ખાસ પ્રકારની માટીમાં, ખાસ પ્રકારના હવામાન વચ્ચે જ ઉછરી શકે છે. આથી જ ચા આખી દુનિયામાં વિશિષ્ટ પાક છે અને એ બીજા સ્થળોએ ફળદ્રૂપ જમીન હોવા છતાં ઉગાડી શકાતો નથી. લગભગ આખા ભારતની સવાર ચાથી પડે છે અને દરેક વ્યક્તિ ચોક્કસ પ્રકારની ચા પીવા ટેવાયેલી હોય છે. આમાં પણ દાર્જિલિંગ ચા તો તેની ઉચ્ચ ગુણવત્તા માટે જગવિખ્યાત છે. તેના ટેસ્ટમાં જરા પણ ફેરફાર થાય તો વેચાણ પર અસર થયા વગર રહે નહીં. આદર્શ રીતે ૧૮થી ૩૦ ડીગ્રી વચ્ચે તાપમાન હોય અને બીજી બધી અનુકુળતા હોય ત્યાં જ ચાના છોડ વિકસે છે.
જગવિખ્યાત દાર્જિલિંગ ચા દાર્જિલિંગ ઉપરાંત મિરિક, તિસ્તા, રામબાગ અને કુરસેંગ એમ પાંચ વિસ્તારમાં થાય છે. અહીં તાપમાન વધીને ક્યારેક ક્યારેક ૩૨ ડીગ્રી સુધી પહોંચવા લાગ્યું છે. ચાના છોડવા આવી ગરમી સહન કરી શકતા નથી. બીજી તરફ ઘણી વખત પાકની સિઝનમાં તાપમાન ૧૮ ડીગ્રીથી ઘટીને ૧૩ ડીગ્રી સુધી પહોંચ્યું હોવાનું નોંધાયું છે. આમ આવી ઠંડી પણ ચાની ગુણવત્તા ઘટાડી નાખે છે.
તાપમાનની માફક વધુ કે ઓછો વરસાદ પણ ચાના પાંદડાને મુરઝાવી શકે છે. છેલ્લા થોડા વર્ષોમાં દાર્જિલિંગ ચા પેદા થતાં વિસ્તારમાં અચાનક વરસાદ પડતો હોવાના બનાવો નોંધાયા છે. આ રીતે આવતો વરસાદ ચાના પાક માટે જોખમી છે. પહાડી ભૂપૃષ્ઠ અને વધુ પડતો વરસાદ તેની જરૂરિયાત છે, પરંતુ આ વરસાદ નિશ્ચિત સમયે જ પડવો જોઈએ.
ભારતમાં આસામ, ઉત્તર બંગાળ, દક્ષિણ ભારત, હિમાલયના અન્ય કેટલાક પ્રાંતમાં ચાની ખેતી મોટા પાયે થાય છે. જોકે આમ છતાં હકીકત એ છે કે જગતમાં ઉત્પાદનની દૃષ્ટિએ ચીન પછી ભારત બીજા ક્રમે છે.
હવામાનની વિપરિત અસર આખી દુનિયાના કૃષિ-પાકો પર થઈ રહી છે. દુનિયાભરમાં વિવિધ પાકોનું ઉત્પાદન અને ગુણવત્તા બગડતાં હવામાનને કારણે નબળાં પડી રહ્યાં છે. જોકે ચા અને કોફી એવા પાકો છે, જેને હવામાનનો જરા પણ ફેરફાર ચાલતો નથી. બીજી તરફ આ બે પીણા આખી દુનિયામાં પીવાય છે. આખા જગતમાં સવાર-સાંજ સૌથી વધુ પીવાતાં પીણામાં ચા અને કોફીનો સમાવેશ થાય છે. કોફીનું ઉત્પાદન પણ ઘટી રહ્યું છે અને ૨૦૫૦ સુધીમાં સાવ ન્યૂનતમ થાય એવી શક્યતા છે.
૧ કિલોગ્રામના રૂ. ૧.૧૨ લાખ
દાર્જિલિંગમાં પેદા થતી કેટલીક ચા લાખો રૂપિયાના ભાવે કિલોગ્રામ વેચાય છે. દાર્જિલિંગની ચા ત્યાં જ બને છે, કેમ કે એ માટે દાર્જિલિંગનું કુદરતી વાતાવરણ જોઈએ. આ માટે દેશ દુનિયામાં અનેક પ્રકારની ચા પેદા થતી હોવા છતાં સૌથી મોંઘી ચાનો વિક્રમ દાર્જિલિંગ ટીના નામે જ છે. દાર્જિલિંગની મકાઈબારી ટી ૨૦૧૪માં કિલોના ૧.૧૨ લાખ રૂપિયાના ભાવે વેચાઈ હતી. એ પ્રકારની ચા જોકે ઉત્પાદકોએ પાંચ કિલોથી વધારે તૈયાર નહોતી કરી.