નવી દિલ્હીઃ પાટનગરમાં પ્રકાશ ઋષિ નામની એક એવી વ્યક્તિ વસે છે જે વિશ્વવિક્રમ નોંધાવવાની પ્રબળ ઘેલછા ધરાવે છે. પ્રકાશ ઋષિનો દાવો છે કે, તેમના નામે ૨૦થી વધુ વિશ્વ વિક્રમ નોંધાયેલા છે. કદાચ આથી જ લોકો તેમને ‘ગિનીસ ઋષિ’ના હુલામણા નામે ઓળખે છે.
પ્રકાશ ઋષિના જન્મ સમયની ઘટના પણ રસપ્રદ છે. તેમનો જન્મ ૧૯૪૨માં નવી દિલ્હીના એક સિનેમા હોલમાં થયો હતો. તેમના જન્મથી અત્યાર સુધી બનેલી મોટા ભાગની ઘટનાઓ કોઈ પણ વ્યક્તિને અચંબિત કરી દે તેવી છે.
પ્રકાશ ઋષિના નામે ક્યા રેકોર્ડ્સ બોલે છે તેની યાદી પર નજર ફેરવવા જેવી છે.
• ૧૯૯૦માં બે મિત્રો સાથે ૧૦૦૧ કલાક સુધી સ્કૂટર ચલાવીને સૌ પ્રથમ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ.
• શરીર અને માથા ઉપર ૩૬૬ કરતાં પણ વધુ દેશના રાષ્ટ્રધ્વજ સહિત ૫૦૦ ટેટૂ કરાવવાનો રેકોર્ડ છે.
• મોંઢામાંથી બધા દાંત કઢાવી નાખ્યા છે જેથી ૫૦૦થી વધુ સ્ટ્રો અને ૫૦થી વધુ
સળગતી મીણબત્તીઓ મૂકી શકે છે.
• ચાર મિનિટ કરતાં પણ ઓછા સમયમાં ટોમેટો કેચ અપની એક બોટલ આખે-આખી ગટગટાવી ગયા હતા.
યાદી અહીં પૂરી થતી નથી. ઋષિ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરીને ગિનીસ બુકમાં નામ નોંધાવવા એવી ઘેલછા ધરાવે છે કે તેના માટે તેઓ અવનવા પ્રયોગો કરી નાખે છે. એક વખત તેમણે નવી દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો પિઝાની ડિલિવરી કરી હતી.
વ્યવસાયે ઓટો પાર્ટ્સના મેન્યુફેક્ચરર ઋષિએ પોતાના શરીર ઉપર ૫૦૦થી પણ વધુ દેશ-વિદેશની મોટી મોટી હસ્તીઓના ટેટૂ કોતરાવ્યા છે. તેઓ જણાવે છે કે, મારા માટે સૌથી મુશ્કેલ કાર્ય મોંમાં સ્ટ્રો ભરાવવાનો હતો. રેકોર્ડ બનાવવા માટે મેં મારા મોંમાં ૪૯૬ સ્ટ્રો ભરાવી લીધી હતી. મને વધારે જગ્યાની જરૂર પડી એટલા માટે મેં મારા બધા દાંત પણ કઢાવી નાંખ્યા હતા જેથી કરીને આજે હું મારા મોંઢામાં વધારેમાં વધારે સ્ટ્રો ભરાવી શકું છું.
સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ હસ્તીઓ એવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા, બ્રિટનનાં મહારાણી અને મહાત્મા ગાંધી જેવી હસ્તીઓનાં ટેટૂ કોતરાવ્યાં છે.
ઋષિ તેમના પરિવારમાં એકમાત્ર એવા રેકોર્ડ ધરાવતા નથી. તેમના પત્નીના નામે પણ એક વિશ્વ વિક્રમ નોંધાયેલો છે. તેમના પત્નીના નામે સૌથી નાની વસિયતનો રેકોર્ડ છે. ૧૯૯૦માં તેમના પત્ની બિમલાએ પણ 'ઓલ ટુ સન' દુનિયાની સૌથી નાની વસિયત લખીને રેકોર્ડ નોંધાવ્યો છે.