નવી દિલ્હીઃ પાટનગરના રહેવાસી 72 વર્ષીય યોગેશ્વર અને 68 વર્ષીય સુષ્મા ભલ્લા બુલેટ પર સવાર થઈને 22થી વધુ દેશોનો પ્રવાસ કરી ચૂક્યા છે. તેમણે છેલ્લાં 47 વર્ષમાં નેપાળ, ભૂટાન અને તૂર્કીયે જેવા દેશોમાં બાઇક દ્વારા પ્રવાસ કર્યો છે. યોગેશ્વરને બાળપણથી જ સાઈકલ ચલાવવાનો શોખ હતો. સાઈકલ પછી તેમણે બુલેટ ખરીદી. આ પછી યોગેશ્વર એક એવા પાર્ટનરની શોધમાં હતો જે તેના જેટલો જ ટ્રાવેલિંગનો શોખીન હોય અને તેમને સુષમા ભલ્લાના રૂપમાં એવો જ પાર્ટનર મળ્યો.
સુષમા સાથે લગ્ન કર્યા બાદ તેઓ પહેલીવાર બુલેટમાં દિલ્હીથી શિમલા ગયા હતા. નોકરીમાંથી નિવૃત્તિ બાદ તો તેમણે આ શોખને જાણે આદત જ બનાવી લીધી. બંને અલગ-અલગ જગ્યાએ ફરવા જવા લાગ્યા. યોગેશ્વર અને સુષ્મા ભલ્લાએ પ્રવાસ તેમજ સાહસિક પ્રવૃત્તિઓનો ખરા અર્થમાં આનંદ માણ્યો છે.
વિવિધ દેશોના પ્રવાસ દરમિયાન રિવર રાફ્ટિંગ, પેરાગ્લાઈડિંગ અને ટ્રેકિંગ પણ કર્યું. તેમણે ભારતના લગભગ દરેક રાજ્યમાં બાઇક દ્વારા પ્રવાસ પણ કર્યો છે. ભલ્લા કપલ રિયાલિટી શો ‘ન્યૂબિગ રિયાલિટી’માં પણ જોવા મળી ચૂક્યું છે.