નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને દિલ્હીની રેસ્ટોરાંએ ગ્રાહકો માટે એક અનોખી ઓફર મૂકી છે. ‘56 ઈંચ’ નામની થાળી 40 મિનિટમાં સફાચટ કરી નાંખનાર રેસ્ટોરાં માલિકે 8.5 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. પાટનગરના હાર્દ સમાન કોનોટ પેલેસમાં આવેલા આર્ડર 2.1 રેસ્ટોરાંએ વડા પ્રધાનના જન્મદિવસે ગ્રાહકોને ખાસ ઓફર આપી છે. 56 ઈંચ નામની આ વેજીટેરિયન થાળીમાં 56 વાનગીઓ સમાવવામાં આવી છે. આ પડકાર ઝીલનાર વ્યક્તિએ આ તમામ વાનગી 40 મિનિટના સમયગાળામાં ખાઈ જવાની રહેશે. એટલું જ નહીં, રેસ્ટોરાં સંચાલકે એવી પણ જાહેરાત કરી છે કે વડા પ્રધાનના જન્મદિનથી 17મી સપ્ટેમ્બરથી શરૂ થયેલી અને 26 તારીખ સુધી ચાલનારી આ સ્પર્ધાના 10 દિવસના સમયગાળામાં જેટલા ગ્રાહકો આ થાળી જમશે તેમાંથી બે લકી વિજેતાને કેદારનાથની ટિકિટ આપવામાં આવશે. રેસ્ટોરાં માલિક સુમિત કાલરાએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કેદારનાથ બહુ જ ગમતું સ્થળ છે. તેથી અમે બે ગ્રાહકોને કેદારનાથનો પ્રવાસ કરાવવાની જાહેરાત કરી છે.
દિલ્હીની આ રેસ્ટોરાંમાં પહેલેથી જ વિવિધ પ્રકારના વ્યંજનોથી ભરપૂર થાળી પીરસવામાં આવે છે. જેમાં ઉત્તર ભારતની વિખ્યાત વાનગીઓનો સમાવેશ કરવામાં આવે છે. રેસ્ટોરાંમાં અત્યારે ‘બાહુબલી થાળી’ અને ‘પુષ્પા થાળી’ પણ પીરસી રહી છે. આવા નવતર પ્રયોગોના કારણે કોનોટ પ્લેસની આ રેસ્ટોરાં બહુ જાણીતી બની છે.