દિલ્હીઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશના રિપોર્ટ પ્રમાણે વિશ્વમાં હાલ સરેરાશ દર ૧૬૦ બાળકમાંથી ૧ બાળક ઓટિઝમ સ્પેકટ્રમ ડિસઓર્ડરથી પીડાય છે. આ બીમારીથી પીડાતી વ્યક્તિની સોશિયલ સ્કિલ ઘણી ઓછી થઈ જાય છે. તેને વાંચવા-બોલવામાં તકલીફ પડે અને કમ્યુનિકેશન લેવલ ઘણું નબળું હોય છે. જોકે દિલ્હીના ઓટિઝમ પીડિત પ્રણવ બક્ષીએ એક મિસાલ કાયમ કરી છે. ૧૯ વર્ષના પ્રણવ દેશનો પ્રથમ ઓટિઝમ પીડિત ટીનેજ મોડેલ બન્યો છે. પ્રણવે પ્રખ્યાત ફેશન બ્રાન્ડ માટે રેમ્પવોક કર્યું છે. તેણે ઓટિઝમને પોતાની નબળાઇ બનાવવાને બદલે તેને જ પોતાની તાકાત બનાવી છે. પ્રણવના ઇન્સ્ટાગ્રામ બાયોમાં ‘ઓટિઝમ ઇઝ માય સુપરપાવર’ લખેલું છે. પ્રણવમાં ૪૦ ટકા ડિસેબિલિટી છે. તેનું સ્વાસ્થ્ય અચાનક ખરાબ થઈ જાય છે. છતાં આ બધી શારીરિક તકલીફો ક્યારેય તેના લક્ષ્યાંક આડે આવી નથી.
પ્રણવના માતા અનુપમા કહે છે, ‘જન્મ સમયે તે એકદમ સ્વસ્થ હતો. તેનામાં ઓટિઝમનું એક પણ લક્ષણ દેખાતું નહોતું. તે બે વર્ષનો થયો ત્યારે અમને તેના પ્રોબ્લેમ વિશે ખબર પડી. ક્યારેક પ્રણવની હાલત અચાનક ગંભીર થઈ જતી તો વળી અમુક સમયે એકદમ નોર્મલ રહેતી. ત્રણ વર્ષ પહેલાં મેં પ્રણવને ક્રિએટિવ થેરેપીના ભાગરૂપે થિયેટર વર્કશોપમાં મોકલ્યો હતો. તે સમયે પ્રણવે મોડેલ બનવાનું સપનું સેવ્યું અને મોડેલિંગ ફિલ્ડમાં જ આગળ જવાનું નક્કી કર્યું. મેં ૧૦૦થી વધુ મોડેલિંગ એજન્સીઓને પ્રણવનો ફોટોઝ મેઈલ કર્યા. હવે તે રેમ્પવોક કરે છે અને ફોટોશુટમાં જાય છે તે જોઈને અમે બધા ઘણા ખુશ છીએ.’