નવી દિલ્હીઃ પાટનગરમાં ઇન્ડિયા ગેટ પર ચોથી ઓક્ટોબરે ૯૧૮ કિલો ખીચડી બનાવીને અનોખો વર્લ્ડ રેકોર્ડ નોંધાવવામાં આવ્યો હતો. ભારતના યજમાન પદે યોજાયેલા ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ વર્લ્ડ ફૂડ ઇન્ડિયાના બીજા દિવસે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓની હાજરીમાં આ વિક્રમ નોંધાયો હતો. આ વિક્રમ સર્જવા ૨૦૦ રસોઈયાએ ખીચડી બનાવી હતી. જેમાં ૮૦૦ કિલો દાળ, ચોખા, બાજરો અને મગની દાળ ઉપરાંત ૧૦૦ કિલો ઘી અને મરીમસાલાનો ઉપયોગ થયો હતો. વિખ્યાત શેફ સંજીવ કપૂરના માર્ગદર્શનમાં બનાવાયેલી આ ખીચડીમાં વધાર બાબા રામદેવે કર્યો હતો. આ વિક્રમની તૈયારી માટે ત્રણ મહિના ટ્રાયલ ચાલી હતી. ૫૦ લોકોએ ત્રણ લેયર ધરાવતી સ્ટીલની વિશાળ હાંડી બનાવી હતી. બાદમાં આ ખીચડી નવી દિલ્હીમાં કાર્યરત તમામ વિદેશી દૂતાવાસોના વડાઓને રેસિપી સાથે મોકલવામાં આવી હતી.
જ્યારે બાકીની ખીચડી ૬૦ હજાર બાળકોને વહેંચવામાં આવી હતી.