નવી દિલ્હીઃ પાટનગરમાં આવેલા સુપ્રસિદ્ધ ઇસ્કોન મંદિરમાં વિશ્વની સૌથી મોટી શ્રીમદ્ ભગવદ્ ગીતાનું અનાવરણ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અસુરોને પ્રામાણિક્તાથી સંદેશ પાઠવ્યો છે અને ઈશ્વરીય શક્તિ આપણી સાથે છે.
ગીતા આરાધના કાર્યક્રમમાં ખુલ્લા મૂકાયેલા દુનિયાના આ સૌથી મોટા હિન્દુ ધર્મગ્રંથની ઊંચાઇ ૯ ફૂટ જ્યારે પહોળાઈ ૬.૫ ફૂટ છે. આ ગ્રંથનું વજન લગભગ ૮૦૦ કિલોગ્રામ છે. આ વિશાળકાય ગ્રંથનું નિર્માણ ઇટાલીના મિલાન શહેરમાં થયું છે અને ત્યાંથી તેને સમુદ્રીમાર્ગે કચ્છના મુંદ્રા પોર્ટ પર લાવવામાં આવ્યો હતો.
આ વિરાટકાય ગ્રંથનું સંપૂર્ણ પ્રિન્ટીંગ કાર્ય કરતાં લગભગ અઢી વર્ષનો સમય લાગ્યો છે અને દોઢ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો છે. આ ગ્રંથના પ્રકાશનનો સમગ્ર ખર્ચ ઇટાલીસ્થિત ઇસ્કોન એકમે ઉઠાવ્યો છે. આ ભગવદ્ ગીતાના કુલ ૬૭૦ પેજ છે અને તેમાં સોના, ચાંદી તથા પ્લેટીનમનો પણ ઉપયોગ થયો છે. તેનું એક પાન ફેરવવા માટે પણ ચાર વ્યક્તિઓની જરૂર પડે છે.
સંસ્થાના ટ્રસ્ટી અને મેનેજિંગ ડિરેક્ટર મધુસેવિતા દાસે જણાવ્યું હતું કે ઈસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રીમદ્ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદે પ્રકાશિત કરેલા ‘ભગવદ્ ગીતા - એઝ ઇટ ઇઝ’ ગ્રંથના ૫૦ વર્ષ પૂરા થવાના અવસરે જ આ વિશાળકાય ગ્રંથનું પ્રકાશન થયું છે તે આનંદનો અવસર છે.
‘હરે કૃષ્ણ, હરે કૃષ્ણ...’
ભગવદ્ ગીતાનું અનાવરણ કર્યા બાદ મંદિરમાં ઉપસ્થિત મહેમાનો અને સાધુ-સંતોને સંબોધતા વડા પ્રધાને કહ્યું હતું કે માનવતાના દુશ્મનોથી પૃથ્વીને બચાવવા હંમેશાં ઈશ્વરની શક્તિ આપણી સાથે હોય છે. આ સંદેશ આપણે પૂરી પ્રામાણિકતાથી દુષ્ટ આત્માઓ, અસૂરોને આપવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. ઉલ્લેખનીય છે કે આ સમારોહ ૨૬ ફેબ્રુઆરીના રોજ યોજાયો હતો. આ જ દિવસે મળસ્કે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં પ્રવેશીને હવાઇ હુમલો કરીને આતંકીઓનો ખાત્મો બોલાવ્યો હતો.
વડા પ્રધાનના શબ્દોને હોલમાં ઉપસ્થિત સમુદાયે તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. મોદીએ કહ્યું કે મને કહેવામાં આવ્યું કે આ કાર્યક્રમમાં અમેરિકા, બ્રિટન, રશિયા, હંગેરી સહિત ઘણા દેશોના લોકો આવ્યાં છે. આ તમામ વિદેશીઓનું અભિવાદન કરતા મોદીએ કહ્યું કે સાથીઓ, આજનો દિવસ મહત્ત્વપૂર્ણ છે. આટલું કહેતા વડા પ્રધાન થોડીક સેકન્ડ અટક્યા હતા. આ દરમિયાન સમગ્ર હોલ મોદી-મોદીના નારાથી ગાજી ઉઠ્યો હતો. ઘણા લોકોએ તો ઊભા થઈને વડા પ્રધાનનું અભિવાદન કર્યું હતું. આ પછી મોદીએ હરે કૃષ્ણ, હરે કૃષ્ણ... કહીને બધાને શાંત રહેવાનું જણાવ્યું હતું.
વડા પ્રધાનની મેટ્રો સવારી
ઈસ્કોન મંદિર સુધી પહોંચવા માટે વડા પ્રધાન મોદીએ ખાન માર્કેટથી મેટ્રોમાં સવારી કરી હતી. આ દરમિયાન મોદીએ મેટ્રોમાં સફર કરી રહેલા લોકો સાથે હાથ મિલાવ્યા હતા તથા બાળકો સાથે મસ્તી કરી હતી. કેટલાક પ્રવાસીઓએ વડા પ્રધાન મોદી સાથે સેલ્ફી પણ ખેંચી હતી. તો વડા પ્રધાને બીજા કેટલાક પ્રવાસીઓ સાથે વાતચીત પણ કરી હતી.