વોશિંગ્ટનઃ પુત્રીને ક્રિસમસ પર રજા ન મળી તો પિતાએ એક-બે નહીં, પણ પૂરી ૬ ફ્લાઇટની ટિકિટ બુક કરાવી લીધી, જેથી તહેવારમાં દીકરીને એકલું ન લાગે. કિસ્સો અમેરિકાના ફ્લોરિડાનો છે.
પિયર્સ વોન અમેરિકાની ડેલ્ટા એરલાઇનમાં ફ્લાઇટ એટેન્ડન્ટ છે. ક્રિસમસ પર વધુ એર ટ્રાફિકના કારણે તેને રજા ન મળી. તેના પિતા હોલ વોનને આ વાતની જાણ થતાં જ તેમણે દીકરી સાથે ફ્લાઇટ્સમાં જ ક્રિસમસ સેલિબ્રેટ કરવાનું નક્કી કરી લીધું. તેઓ ક્રિસમસની સાંજે અને પછીનો આખો દિવસ દીકરી સાથે ૬ ફ્લાઇટમાં ફરતા રહ્યા.
પિતા-પુત્રીનો આ હૃદયસ્પર્શી કિસ્સો ડેલ્ટા એરલાઇનના એક પ્રવાસી માઇક વેલીએ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.
લેવીએ લખ્યું છેઃ આ ફોટો પોસ્ટ કરીને મને ખૂબ ખુશી થઈ રહી છે. મારી બાજુની સીટ પર બેસેલા હોલ વોનની પુત્રી પિયર્સ અમારી ફ્લાઇટની એટેન્ડન્ટ હતી. તેને ક્રિસમસની રજા ન મળી શકી. તેની ઉદાસી પિતાથી જોવાઈ નહીં. તેઓ દીકરી સાથે જ ક્રિસમસ મનાવવા નીકળી પડ્યા અને બે દિવસ સુધી દીકરીની દરેક ફ્લાઇટમાં તેની સાથે જ રહ્યા, આખા દેશના ચક્કર લગાવી લીધા. તેઓ કેટલા સારા પિતા છે. હોલે ન્યૂ ઓર્લિયન્સથી ડેટ્રોઇટ અને ફોર્ટ માયર્સ વચ્ચે ૬ ફ્લાઇટ બદલી.
પિયર્સે લખ્યું કે તેના પિતાએ તેની જ ફ્લાઇટમાં મુસાફરી કરી હોય તેવું આ પહેલી વાર બન્યું. મેં અગાઉ ક્યારેય મારા પેરન્ટ્સ વિના ક્રિસમસ ઉજવી નથી. હું આ દિવસોમાં ઘરે જ રહેતી. તેથી મારા પિતા મારી સાથે ક્રિસમસ મનાવવા આવી ગયા, મમ્મી ઘેર જ રહી. આ ક્રિસમસ મારા માટે તો ચમત્કારથી ઓછી નથી.
ડેલ્ટા એરલાઇને પણ નિવેદન જારી કરીને કહ્યું કે અમે ક્રિસમસના દિવસે કામ કરવા બદલ અમારા તમામ કર્મચારીઓની પ્રશંસા કરીએ છીએ. ખાસ કરીને પુત્રી માટે પિતાનો આવો પ્રેમ બિરદાવવા લાયક છે.