રાંચીઃ રોજબરોજના જીવનની સામાન્ય બોલચાલમાં ઘર-જમાઇ શબ્દ કોઇના આત્મસન્માનને ઠેસ પહોંચાડી શકે છે, પરંતુ ઝારખંડમાં બે ગામમાં દીકરીઓને નજરોથી દૂર ના કરવાના મક્કમ ઇરાદાએ જમાઇઓનું આખું ગામ જ વસાવી દીધું છે. વાસ્તવમાં, ૫૪ વર્ષ પહેલા સરાયકેલા-ખરસાંવા જિલ્લાના આસંગી અને બરગીડીહ ગામના ત્રણ પરિવારોએ દીકરીઓને પરિવાર સાથે રાખવા માટે જમાઇઓ માટે ઘરની આસપાસ જ જમીન ખરીદી હતી.
સમયના વહેવા સાથે આ વિચાર ટ્રેન્ડ બન્યો અને સમગ્ર જમાઇપાડા ગામ જ વસી ગયું. આજે ગામના ૧૦૦ પરિવારોમાંથી ૬૦ જમાઇઓ સાથે વસવાટ કરે છે. અહીંયા દીકરીઓને લક્ષ્મી અને જમાઇઓને રાજા મનાય છે. જોકે વાતચીતમાં ગામના નામને લઇને મજાક કરાય છે. આ જ કારણોસર ગામનું નામ જમાઇપાડાથી બદલીને હવે લક્ષ્મીનગર કરાયું છે. આમ છતાં આસપાસના વિસ્તારોમાં આ ગામ જમાઇપાડા નામથી જ પ્રચલિત છે.
એક પુરોહિતે કહ્યું અને...
ગામના વયોવૃદ્વ દીનાનાથ મહેતાના કહેવા અનુસાર, ૧૯૬૭માં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. આ દરમિયાન ગામમાં એક પુરોહિત આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, દીકરી તો લક્ષ્મી હોય છે. તે જે ઘરમાં જાય છે ત્યાં અઢળક ખુશીઓને લાવે છે.
જમાઇને જમીનનું દાન કરીને દીકરીને પરિવાર સાથે રાખો તો સારો વરસાદ થશે. તે સમયે ત્રણ પરિવારો જમીન આપીને જમાઇને ગામમાં વસવાટ માટે લાવ્યા હતા. બાદમાં આ પરંપરામાં પરિવર્તિત થઇ અને જમાઇપાડા ગામ વસ્યું.
આગળ વધી છે પરંપરા
જમાઇપાડામાં દીકરી-જમાઇની સાથે રહેતા અમૂલ્યો પ્રધાન કહે છે કે, જમાઇપાડા જેનાથી વસ્યું તે વૃદ્વ તો હવે દેવ થયા છે, પરંતુ દરેક પિતા તેમની પુત્રીની ખુશી જ ઇચ્છે છે. સાસરે ગયા બાદ પણ તે આંખોની સામે રહે. આ જ વિચારથી મેં જમાઇને પણ પરિવાર સાથે રાખવાનું નક્કી કર્યું. મન થાય ત્યારે હું, દીકરી અને જમાઇને મળું છું. તે જમાનામાં 15 લોકોએ પોતાની દીકરી-જમાઇને આ જ ગામમાં વસાવ્યા હતા. હવે ત્યાં 60થી વધુ ઘર થઇ ચૂક્યા છે.
ગામના જ એક અન્ય રહેવાસી રામપ્રસાદ સાહૂ અનુસાર, રોજગારી પણ જમાઇઓના અહીંના વસવાટનું એક કારણ છે. આદિત્યપુરમાં ઉદ્યોગોનો ધમધમાટ જોવા મળ્યો હતો. કોઇ સંકટ ન હતું. આ દરમિયાન ઔદ્યોગિક ક્ષેત્રની આસપાસ અનેક ગામ વસ્યા હતા. આ ગામની દીકરીઓના લગ્ન થતાં જ જમાઇઓને પણ અહીંયા જ રોજગારી મળી. માટે જ તેઓએ ત્યાં જ સ્થાયી વસવાટ કર્યો. 30 વર્ષ પહેલા જ્યારે ગામમાં સેંકડોની સંખ્યામાં જમાઇરાજ રહેતા હતા. રોજગારીનું પ્રમાણ ઘટતા જ આ સંખ્યા હવે માત્ર ૬૦ સુધી સીમિત થઇ ચૂકી છે. અનેક જમાઇઓએ પલાયન કર્યું છે.
ગોપાલ પ્રધાન આ ગામના જમાઇ છે. તેમના કહેવા અનુસાર, હું ઓડિશાના મયૂરભંજનો રહેવાસી છું. મારા લગ્ન ૧૯૮૯માં થયા હતા. હવે મારા પુત્રના લગ્ન થઇ ચૂક્યા છે અને હું દાદા બની ગયો છું. મને શરમ નહીં પરંતુ ગર્વ થાય છે. લગ્ન બાદ દરેક વ્યક્તિ સાસરે સન્માન ઇચ્છે છે. મને સાસરેથી જમાઇપાડામાં જમીન અને ઘર આપવામાં આવ્યું. આદર-સત્કાર મળ્યા. પુત્રની જેમ વ્યવહાર કરાયો. મારા પરિવારને પણ માન-સન્માન મળ્યું. તેઓ પણ મારી સાથે રહેતા હતા.