નવી દિલ્હીઃ દુનિયાની સૌથી મોંઘી ચાની વાત કરીએ તો એમાં ચીનમાં થતી દા-હોંગ-પાઓ-ટી પહેલો ક્રમ મેળવી જાય છે. આ જાતની એક કિલો ચાના 12 લાખ ડોલર યાને અંદાજે 9 કરોડ રૂપિયા ઉપજી ચૂક્યા છે. વિશ્વની સૌથી મોંઘી ટોપ-ફાઇવ ચાની યાદીમાં ભારતની એક ચા પણ સ્થાન પામે છે.
ચીનના ફુનિયાંત પ્રાંતમાં થતી દા-હોંગ-પાઓ-ટી દુર્લભ છે. એને નેશનલ ટ્રેઝર જાહેર કરવામાં આવી છે. પહાડીઓમાં થતી આ ચાની વધુમાં વધુ કિંમત 2005માં 12 લાખ ડોલર યાને નવ કરોડ રૂપિયા ઉપજી હતી, અને એ રેકોર્ડ હજુય અકબંધ છે. બીજા ક્રે સૌથી મોંઘી ચાનું નામ છે પાંડા-ડંગ ટી. આ ચાની ખેતીમાં પાંડાના છાણનો ઉપયોગ થતો હોવાથી એનું નામ પાંડા પરથી પડયું છે. એ પણ ચીનમાં જ તૈયાર થાય છે. આ ચાનો ભાવ લગભગ 70 હજાર ડોલર એટલે કે અંદાજે 57 લાખ રૂપિયા જેટલો છે. યલ્લો ગોલ્ડ ટી બર્ડ્સ નામની ચા સિંગાપોરમાં થાય છે અને તે આ યાદીમાં ત્રીજા ક્રમે છે. સોનાની જેમ તેના પાંદડાં ચમકતા હોવાથી તેનું નામ ગોલ્ડ ટી રખાયું છે. આ ચાની કિંમત 7800 ડોલર યાને અંદાજે છ લાખ રૂપિયા થાય છે.
ટોપ-5માં ચોથા ક્રમે ભારતની ચા છે. સિલ્વર ટિપ્સ ઈમ્પિરિયલ ટી દાર્જિલિંગની પહાડીઓમાં થાય છે. તેને ખાસ પૂનમની રાતે જ ચૂંટવામાં આવે છે અને તેનો દેખાવ ચાંદી જેવો છે. આથી તેને સિલ્વર ટિપ્સ નામ મળ્યું છે. આ ભારતની સૌથી મોંઘી અને વિશ્વની સૌથી મોંઘી ચોથા ક્રમની ચા છે. 2014માં એક હરાજીમાં તેની મહત્તમ કિંમત 1850 ડોલર એટલે કે એક કિલોના દોઢ લાખ રૂપિયા મળ્યા હતા. જાપાનની ગ્રીન ટી ગ્યોકૂરો આ યાદીમાં પાંચમા નંબરે છે. આ ચાની કિંમત એક કિલોના 650 ડોલર યાને બાવન હજાર રૂપિયા જેવી થાય છે. એની ખેતીમાં ખાસ કાળજી લેવામાં આવે છે.