દુબઈઃ કરાયાતના દરિયામાંથી ત્રણ માછીમારોને ૮૦ કિલોગ્રામ વજનની વ્હેલની ઉલ્ટી મળી આવતાં તેઓએ અતિઆનંદમાં આવીને ઉજવણી કરી હતી. વ્હેલની ઉલ્ટી અત્તરો બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે અને અતિકિંમતી છે. માછીમારીને મળી આવેલી ઉલ્ટીની કિંમત લગભગ ૨૫ લાખ ડોલર થાય છે. સ્પર્પવ્હેલની ઉલ્ટી તેના આંતરડામાં પેદા થયેલા દ્રવ્યની હોય છે અને તે મીણ જેવી હોય છે. તે દરિયામાં તરતી જોવા મળે છે તેને એમ્બરગ્રીઝ કહે છે.
ખાલિદ અલ સિનાની નામના માછીમારને આ ઉલ્ટી મળી આવી હતી. એમ્બરગ્રીઝ ભાગ્યે જ મળતી કિંમતી ચીજ છે. ખાલિદનું બાળવયથી તે મેળવવાનું સ્વપ્ન હતું. તે તેના બે મિત્રો સાથે માછીમારી કરવા ગયો ત્યારે તેને આ ઉલ્ટી મળી આવી હતી. તે દુર્ગંધવાળી હોય છે. તેણે સ્થાનિક અખબારને જણાવ્યું હતું કે, તેને આ જેકપોટ લાગ્યો હોય તેટલો આનંદ થયો છે. તેણે કિનારે આવીને કેટલાક નિષ્ણાતો દ્વારા તપાસ કરાવી હતી કે આ ખરેખર એમ્બરગ્રીઝ છે કે નહીં? તેને આ ઉલટીની મોટી કિંમત ઉપજવાની આશા હતી.