દૂધમાંથી બનાવેલાં કપડાં પહેરો અને ભૂખ લાગે તો ખાઈ પણ જાઓ

Thursday 06th October 2016 04:36 EDT
 
 

વિજ્ઞાન અને ટેકનોલોજીના આ યુગમાં આપણી કલ્પના શક્તિથી પણ આગળ જાત જાતનાં સંશોધનો થતાં રહે છે. દૂધમાંથી વિવિધ ખાદ્યપદાર્થો બનાવવામાં આવે છે, પરંતુ થોડા સમય પહેલાં દૂધની થેલી બનાવવામાં આવી હતી. જેને પેકિંગ માટે ઉપયોગમાં લઈ શકાય. જોકે તાજેતરમાં દૂધમાંથી કપડાં બનાવવામાં આવ્યા છે. દૂધમાંથી કપડાં બનાવવાની વાત સાંભળતા જ મનમાં પહેલો પ્રશ્ન ઉદભવે છે કે દૂધના કપડાંમાંથી ગંધ ના મારે? જી ના. આ કપડાંને તમે જાતે લઈને સૂંઘશો તો પણ તેમાંથી દૂધની ગંધ નહીં આવે!

ઓ કે ડોમાસ્કે નામના માઇક્રોબાયોલિજિસ્ટે દૂધમાંથી કપડાં બનાવ્યા છે. આ કપડાં રેશમ જેવા મુલાયમ હોય છે અને તેની બનાવટમાં વિવિધ જાતના રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. હકીકતમાં દૂધમાંથી બનાવેલા ફાઈબર, પ્રોટીનની ચીકાશને કારણે તેમાંથી બનાવેલા કપડાં રેશમ જેવા મુલાયમ લાગે છે.

દૂધમાંથી પનીર બનાવીને ફાઇબરથી કપડાંની બનાવટ

દૂધ ખાટું થાય ત્યારે તેમાંથી સફેદ રંગના કણો છૂટા પડવા લાગે છે. હકીકતમાં આ દૂધનું પ્રોટીન હોય છે. જેને ચાળવાથી પનીર મળે છે. આ પનીરની સૂકવણી દ્વારા તેનો સૂકો પાઉડર બનાવવામાં આવે છે. આ પાઉડરની સાથે અન્ય વસ્તુઓ ભેળવીને તેની ગૂંથણી કરવામાં આવે છે અને પછી તેને સ્પ્રે પંપમાં નાખવામાં આવે છે. આ સ્પ્રે પંપને દબાવવાથી તેમાંથી સુંદર પ્રકારના દોરા નીકળે છે. આગળની પ્રક્રિયાના ભાગરૂપે તેમાંથી કપડાંની બનાવટના ભાગરૂપે તાર બનાવવામાં આવે છે. આમ, આ પ્રક્રિયાના અંતે તૈયાર કાચા માલમાંથી કપડાં બનાવવામાં આવે છે. આ પોશાક એટલો પ્રાકૃતિક છે કે તેનો ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ કરી શકાય છે.

એક વર્ષ સુધી સંશોધનો

આ આઈડિયા જો સફળ થશે તો ટેક્સટાઈલ ઉદ્યોગની કાયા પલટાઈ શકે છે. આ સંશોધન રસોડામાં શોધાયું હતું. ડોમાસ્કોએ સૌ પહેલાં એક મિક્ચર, મોટું થર્મોમીટર અને મોટી માત્રામાં પ્રોટીન પાઉડરને ભેગા કરીને લગભગ એક વર્ષ સુધી તેના પર જાત જાતના ટેસ્ટ કર્યા હતા. આ ટેસ્ટ દ્વારા તેઓ એક એવા ટેક્સટાઈલ ફાઇબરને શોધવા માગતા હતા કે જે સરળતાથી પાણીમાં ભળી જાય નહીં.

હોલિવૂડ સ્ટાર્સે પણ પહેર્યાં છે આ મિલ્કડ્રેસ

દૂધથી બનેલા ફાઇબર ડ્રેસની સફળતાની વાત કરવામાં આવે તો ઘણા હોલિવૂડ સ્ટાર્સે તેમાંથી બનેલા કપડાંને પહેર્યા છે. પહેલી વાર આ પ્રકારનો ડ્રેસ મીશા બાર્ટને પહેર્યો હતો. હજી પણ આ સંશોધન પર વિસ્તૃત રીતે કામ ચાલી રહ્યું છે. જો આઈડિયા સફળ થશે તો કપડાં માટે કાચો માલ તો બનાવી શકાશે, પણ તે સાથે ખેડૂતો, પશુપાલકોની સાથે પર્યાવરણ માટે આ સંશોધન લાભદાયી નીવડશે.

આ કપડાંના ફાયદા

આ કપડાં નેચરલ હોવાથી તેને કારણે એલર્જી થવાની કોઈ શક્યતા રહેતી નથી. કેમિકલ રહિત હોવાથી તેની કોઈ આડઅસર નથી. જો આ કપડાં ખરાબ થાય તો તેને કમ્પોસ્ટ પણ કરી શકાય છે.

કપડાં ઉપરાંત અનેક પ્રકારનાં ઉત્પાદનો

દૂધથી બનાવવામાં આવેલા ફાઈબર તાપમાનને નિયંત્રિત કરે છે એન્ટી બેક્ટેરિયલ છે તે સાથે સરળતાથી સળગી જતું નથી. તેની આ ખાસિયતોને કારણે તે માત્ર કાપડ ઉદ્યોગ માટે જ નહીં પરંતુ ટેકનિકલ ક્ષેત્રે પણ ઘણું ઉપયોગી નીવડશે. જો ભવિષ્યનું વિચારીએ તો તેમાંથી પંખો પણ બનાવી શકાય તેવા પ્રયોગો હાથ ધરાયા છે. દૂધમાંથી બનેલો આ પંખો ઝડપથી પવન ફેંકશે. તે સાથે તેમાંથી પ્લાસ્ટિક અને નેનો મટીરિયલ પણ બનાવી શકાશે. આવા અનેક પ્રકારના ચાલી રહેલા સંશોધનોને જોકે હજી સત્તાવાર રીતે જાહેર કરાયા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter