તિરુવનંતપુરમ્ઃ જાણીતી ઉક્તિ છે કે ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ... તમને કે મને આ ઉક્તિમાં ભરોસો પડે કે નહીં, પણ કેરળના ચિત્રકાર મોહમ્મદ બાવાને તો આનો જાત અનુભવ થઇ ગયો છે. લાંબા સમયથી નાણાંભીડમાં અટવાતા મોહમ્મદ બાવાને દેવું ચૂકવવા પોતાનું ઘર વેચવાની નોબત આવી હતી. બધું ફાઇનલ હતું, પણ નસીબનો ખેલ જૂઓ કે મકાનનો સોદો થવાના બે જ કલાક પહેલાં તેના નસીબ આડેથી પાંદડુ ખસ્યું અને તેને એક કરોડ રૂપિયાની લોટરી લાગી.
આ વાત છે કાસરગોડ જિલ્લાના મંજેશ્વર ટાઉનના પવૂર ગામના ચિત્રકાર મોહમ્મદ બાવાની. મોહમ્મદ બાવા પર આખી દુનિયાનું દેવું હતું અને સ્થિતિ એવી હતી કે તેને દેવું ચૂકવવા માટે બાવાએ પોતાનું મકાન વેચવાનો સોદો ફાઇનલ કર્યો હતો. લોટરીના પરિણામ માત્ર બે કલાક પહેલા બાવાનું સપનાના ઘરનું વેચાણ થતું અટકી ગયું.
બાવાના પરિવારમાં પત્ની એની અને ચાર દીકરી અને એક દીકરો એમ પાંચ સંતાન છે. બે મોટી દીકરીઓ પરણેલી છે. પેઇન્ટર બાવા અને તેમની પત્ની અમીનાએ ઘણી મહેનત અને દેવું કરીને બે હજાર ચોરસ ફૂટમાં સપનાનું ઘર વસાવ્યું હતું. આ માટે અમીનાએ બેંકમાંથી રૂ. 10 લાખની લોન લીધી હતી, ઉપરાંત મકાન બનાવવા માટે સંબંધીઓ પાસેથી રૂ. 20 લાખ ઉછીના પણ લીધા હતા. આ દરમિયાન યુવાન પુત્રીઓના લગ્ન નક્કી થયાં. આથી તેમને લગ્નપ્રસંગ માટે સંબંધીઓ અને મિત્રો પાસેથી બીજા નાણાં ઉધાર લેવા પડ્યા. પરિણામે દેવાના રૂપમાં મોટી રકમ માથા પર આવી. દીકરીઓના લગ્ન અને ઘરના બાંધકામમાં બાવા પરિવાર પર બેંકો અને સંબંધીઓના 50 લાખ રૂપિયાનું દેવું થઇ ગયું હતું.
દેવાના કારણે પરિવારના સભ્યો છેલ્લા ઘણા મહિનાઓથી ખૂબ જ તણાવમાં હતા. એક મીડિયા રિપોર્ટ અનુસાર, પેઇન્ટર બાવાએ 2 હજાર સ્ક્વેર ફૂટમાં બનેલું પોતાનું ઘર વેચવાનો નિર્ણય કર્યો. મકાન તેમણે 45 લાખ રૂપિયામાં વેચવાનું નક્કી કર્યું હતું કેમ કે તેમનું કુલ દેવું પણ એટલી જ રકમનું હતું. જોકે દલાલ સાથે વાત કર્યા બાદ તેની કિંમત 40 લાખ રૂપિયા આંકવામાં આવી. ઇચ્છિત કિંમત ન મળવા છતાં આ લોકો મકાન વેચવા તૈયાર થયા. એક પાર્ટી સાથે સોદો કર્યા બાદ રવિવારે સાંજે તેની પાસેથી ટોકન મની લેવાનું નક્કી થયું હતું.
રવિવારે બપોરે પરિવારજનો ઘર ખરીદનારની રાહ જોઈ રહ્યા હતા ત્યારે બાવા બજારમાં ગયા હતા. બજારમાં ગયા પછી તેણે કેરળ સરકારની ફિફ્ટી-ફિફ્ટી લોટરીની 4 ટિકિટો ખરીદી. વાસ્તવમાં, બાવા છેલ્લા 4 મહિનાથી લોટરીની ટિકિટો આ આશાએ ખરીદતા હતા કે ક્યાંક નસીબ આડેથી પાંદડુ ખસી જાય તો દેવું હળવું થઇ જાય. પણ તેને ઓછી ખબર હતી કે તેનું નસીબ તે જ દિવસે ચમકશે! થોડાક જ કલાકમાં થયેલા ડ્રોમાં તેણે ખરીદેલી લોટરી જેકપોટ જીતી ગઈ. તેને એક કરોડ રૂપિયાની લોટરી લાગી. આ જાણ થતાં જ પરિવારમાં ખુશીનું મોજું ફરી વળ્યું અને ઘર વેચવાનો સોદો રદ કર્યો. ટેક્સ કાપ્યા બાદ તેને 1 કરોડમાંથી 63 લાખ રૂપિયા મળશે. પણ રકમ તેમનું રૂ. 50 લાખનું દેવું ચૂકવવા માટે પૂરતી હતી.