ચેન્નઈઃ એક લીંબુ ખરીદવા તમારે હજારો રૂપિયા ચૂકવવા પડે તો તમે લીંબુ ખરીદો? તમારો જવાબ ના હશે, પણ થોભો. તામિલનાડુમાં ૧૫મી એપ્રિલે લીંબુની હરાજી કરવામાં આવી તો એક લીંબુની બોલી ૨૭,૦૦૦ રૂપિયા લગાવવામાં આવી. આ કોઈ મામૂલી હરાજી નહોતી. રાજ્યના વિલ્લુપુરમના એક મંદિરમાં ૧૧ દિવસ ચાલનારા પાનગુની ઉથીરમ તહેવાર દરમિયાન લીંબુની લિલામી કરવામાં આવી હતી. આ પર્વમાં ૯ લીંબુની પૂજા કરવામાં આવે છે અને લીંબુને બહુ પવિત્ર, સમૃદ્ધિ પ્રદાન કરનારું માનવામાં આવે છે. મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવેલી લિલામીમાં ૯ લીંબુની કિંમત ૬૮,૦૦૦ રૂપિયા લગાવવામાં આવી, જેમાંથી એક લીંબુની કિંમત ૨૭,૦૦૦ રૂપિયા લગાવવામાં આવી હતી. આ લીંબુ મંદિરના દેવતા મુગુગા પર ચડાવવામાં આવ્યું છે. આ પર્વના પહેલા ૯ દિવસ દરરોજ દેવ પર લીંબુ ચડાવવામાં આવે છે. આ પ્રાંતનાં રહીશોનું માનવું છે કે આ લીંબુ ઘરમાં રાખવાથી સમૃદ્ધિ આવે છે.