મુંબઇઃ કહેવાય છે કે દાન એ રીતે કરવું જોઈએ કે જમણો હાથ આપે તો ડાબા હાથને પણ ખબર ન પડે. આ કહેવતને સાર્થક કરતાં એક અજાણી વ્યક્તિએ પોતાના 15 મહિનાના બાળકને બચાવવા ઝઝૂમી રહેલા માતા-પિતા માટે કરોડો રૂપિયાનું દાન કર્યું છે. અહેવાલ મુજબ, મુંબઈમાં એક દંપતી દુર્લભ બીમારીથી પીડિત પોતાના લાડકવાયાનો જીવ બચાવવા માટે તમામ આશાઓ ગુમાવી બેઠાં હતાં ત્યારે ભગવાને જાણે કે દેવદૂત મોકલ્યો હોય તેવી રીતે એક અજાણી વ્યક્તિ તેમના પાસે આવીને રૂ. 15.31 કરોડ દાનરૂપે આપી ગઈ હતી.
મરીન એન્જિનિયર સારંગ મેનન અને અદિતિ નાયરનો પુત્ર નિર્વાણ ‘સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી’ (SMA) ટાઈપ-2 નામની જીવલેણ બીમારીથી પીડિત છે. આ એક અત્યંત જવલ્લે અને એકલદોકલ બાળકોમાં થતો રોગ છે અને તેની દવાના એક વખતના ડોઝની કિંમત લગભગ રૂ. 17.3 કરોડ છે. આ દંપતી તાજેતરમાં જ મુંબઈથી કેરળ શિફ્ટ થયું છે.
નાયરે કહ્યું કે એક એપ પર ઓનલાઈન ફંડ એકત્ર કરવા માટે પેજ શરૂ થયા પછી તરત જ દાન આવવાનું શરૂ થયું હતું. જોકે રૂ. 15.31 કરોડ આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રખાઈ છે. ફંડ એકત્ર કરવાની ઝુંબેશ શરૂ કરાઇ ત્યારે મેનને રૂ. 17.50 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. નાયરે કહ્યું, ‘અમે ખૂબ જ ખુશ છીએ કે આ યોગદાનથી અમે અમારા લક્ષ્યની ખૂબ નજીક પહોંચી ગયા છીએ. મને લાગે છે કે બાકીનું ભંડોળ અમે જાતે જ અને અમારા સંબંધીઓ અને મિત્રો પાસેથી ભેગા કરી લઈશું. જોકે, નિર્વાણને કેટલાક જરૂરી પરીક્ષણો માટે મુંબઈ પાછો લાવવામાં અમને ઓછામાં ઓછા બેથી ત્રણ અઠવાડિયા લાગશે અને અમેરિકાથી દવાઓ મુંબઈ પહોંચવામાં પણ સમય લાગશે.’ પરિવારે દવા મેળવવા માટે કેન્દ્રીય નાણા મંત્રાલય અને આયાત-નિકાસ વિભાગનો સંપર્ક શરૂ કર્યો છે.
SMAની બીમારીથી પીડાતી વ્યક્તિમાં હાથ, પગ, ચહેરો, ગળું અને જીભની હિલચાલને નિયંત્રિત કરતા મગજ અને કરોડરજ્જુના વિશિષ્ટ ચેતાકોષો નાશ પામે છે. તે મુખ્યત્વે શ્વસન, ગળવા, ચાલવા સહિતના સ્નાયુઓની કામગીરીને અસર કરે છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો આ બીમારી વ્યક્તિને કાયમી વેન્ટિલેશન કે મૃત્યુ તરફ દોરી જાય છે.