અમદાવાદઃ શહેરના વાસણા વિસ્તારમાં રહેતા સોની પરિવારનો એકનો પુત્ર ૧૧ માર્ચે માણેકચોકમાં આવેલી ઝવેરાતની દુકાન પરથી લાપત્તા થઇ ગયો હતો. શહેર પોલીસ સોનીના પુત્રને શોધવા નીકળી પડી. પોલીસની મહેનત તો ફળી રહી, પરંતુ પુત્રની જગ્યાએ ‘પુત્રી’ મળી હતી. કારણ? બોયફ્રેન્ડના પ્રેમમાં પાગલ યુવાને સેક્સ ચેન્જ સર્જરી કરાવી સ્ત્રી થઇ ગયો હતો.
વાસણામાં રહેતા સોની પરિવારની માણેકચોકમાં જ્વેલરી શોપછે. ૨૫ વર્ષીય પુત્ર વિશાલ આ દુકાન સંભાળતો હતો. ગત ૧૧ માર્ચે વિશાલ કોઇને જાણ કર્યા વગર દુકાનેથી એક્ટિવા લઇને જતો રહ્યો હતો. ક્યાંય અતોપત્તો ન મળતાં પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની ફરિયાદ કરાઇ હતી. પોલીસે ગુમ થનાર વિશાલના મોબાઇલ નંબરના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન પરિવારજનોને સેટેલાઇટ વિસ્તારની એક હોસ્પિટલ બહારથી તેનું એક્ટિવા મળ્યું હતું. પોલીસને જાણ કરાતાં કાફલો હોસ્પિટલે પહોંચ્યો હતો.
હોસ્પિટલમાં તપાસ કરતા ડોકટર પાસેથી જાણ થઇ હતી કે, પુત્ર હવે પુત્ર નથી રહ્યો, પણ પરંતુ ‘પુત્રી’ બની ગયો છે. આ સાંભળીને પિતા અને પરિવારના સભ્યોના પગ તળેથી જમીન સરકી ગઇ હતી. આ ઘટના સંદર્ભે શહેર પોલીસે વિશાલને મળીને તેનું નિવેદન લીધું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર વિશાલે સેક્સ ચેન્જની સર્જરી કરાવી છે. આ અંગેના કાગળોમાં ભુજમાં રહેતા તેના ૨૦ વર્ષીય બોયફ્રેન્ડ અવિનાશે સાક્ષી તરીકે સહીઓ કરી છે. વિશાલ છેલ્લા બે વર્ષથી સેક્સ ચેન્જનું ઓપરેશન કરાવીને અવિનાશ સાથે રહેવા માગતો હતો, પરંતુ પારિવારિક દબાણના કારણે તે ઓપરેશન કરાવી શકતો ન હતો. આખરે તેણે જાતે જ જઇને સેક્સ ચેન્જ ઓપરેશન કરાવી નાખ્યું છે અને હવે તે પરિવાર સાથે રહેવા ન ઇચ્છતો હોવાનું પોલીસને જણાવ્યું છે.
વિશાલ છેલ્લા લાંબા સમયથી સ્ત્રીઓ જેવા લક્ષણો ધરાવતો હતો અને આ વાતની તેના પરિવારજનોને પણ જાણ હતી. એટલું જ નહીં, વિશાલ છેલ્લા બે કરતાં વધુ વર્ષથી તેના મિત્ર અવિનાશના પ્રેમમાં હતો અને તેના બોયફ્રેન્ડ તરીકે જ રહેતો હતો. વિશાલે પરિવારજનો સમક્ષ પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ પરિવારે તેને ધમકાવતા તે અમુક સમય માટે રોકાયો હતો. આખરે તેણે ડોકટર પાસેથી તમામ માહિતી મેળવીને સેકસ ચેન્જ ઓપરેશન કરાવી લેવાનો નિર્ણય કર્યો હતો.