ધનિકોના રસોડે રાજસ્થાની રસોઈયાઓનું રાજ

Friday 19th August 2016 05:18 EDT
 
 

ઉદયપુર: મેનર, રંઢેડા, કિકરડા, બંઠેડા ખુર્દ અને ખરસાણ એવાં ગામો છે કે જ્યાંના લોકો માટે પાકકલા વ્યવસાય નહીં પણ પેશન છે. અહીંના લોકો દ્વારા બનાવવામાં આવેલાં સ્વાદિષ્ટ વ્યંજનોનો સ્વાદ તેમને વિશ્વમાં ખ્યાતિ અપાવી રહ્યો છે. ગામોનાં ૮૦૦ કરતાં વધારે લોકો પોતાની રસોઈનાં જોરે બોલિવૂડ કલાકારો જૂહી ચાવલા, વિનોદ ખન્ના સહિત અંબાણી, અંબુજાના અને હિન્દુજા જેવા મોટા ઉદ્યોગપતિઓ અને શેઠ-શાહુકારોનાં રસોડાંમાં પોતાનું રાજ ચલાવી રહ્યા છે.

મુંબઈ, કોલકાતા, અમદાવાદ સહિત દેશનાં ખૂણેખૂણે નહીં પરંતુ દુબઈ, મસ્કત, અબુધાબી, કતાર, દોહા, હોંગકોંગ, કેનેડા, નૈરોબી અને લંડન સુધી રસોઇયાઓની નામના છે. રસોઇયાઓનાં જોરે કહેવત પ્રચલિત થઈ છે કે મેવાડના હાથો જેવો સ્વાદ બીજે ક્યાંય નહીં. જૂહી ચાવલાનાં પતિ જય મહેતાનાં નૈરોબી સ્થિત ઘરમાં ભંવરલાલ મહેતા વર્ષોથી રસોડું સંભાળે છે. તો મેનરના નાનાલાલ જાલાવત વિનોદ ખન્નાના કૌટુંબિક રસોઇયા છે.

ખન્ના દેશ-વિદેશમાં ગમે ત્યાં જાય ભોજન બનાવવા માટે જાલાવતને સાથે લઈને જાય છે. મીઠાલાલ મેનરિયા અંબાણી જૂથના તો નિમતલાલ મેનરિયા અને ગોપાલ ભૂત હિન્દુજા જૂથનાં કૌટુંબિક રસોઇયા તરીકે વર્ષોથી રસોડું સંભાળી રહ્યા છે. એટલું નહીં ફેવિકોલ જૂથનાં મધુકર પારેખ અને અજય પારેખનું રસોડું પણ અહીંના ભેરુલાલ અને છોગાલાલ સુથાર સંભાળી રહ્યા છે. અંબુજા જૂથના પારિવારિક રસોડામાં ભંવરલાલ મેરાવત સેવા આપી રહ્યા છે. તો ચંપકલાલ વ્યાસ ૩૦ વર્ષથી ત્રિભુવનદાસ ભીમજી ઝવેરીને ત્યાં રસોઇયા તરીકે નોકરી કરી રહ્યા છે. મેનાર ગામના ભેરુલાલ રુપજોત અને પૂનમચંદ મેનરિયાએ વર્ષો સુધી ધીરુભાઈ અંબાણીનાં ઘરે રસોઇયા તરીકે સેવા આપી હતી. ભેરુલાલનાં મૃત્યુ બાદ પણ તેમનાં પત્નીને આજેય ગ્રૂપ તરફથી રૂ. ૪૫૦૦ પેન્શન આપવામાં આવી રહ્યું છે. ધીરુભાઈ અંબાણી પણ પોતાના કૌટુંબિક રસોઇયાને મળવા માટે મેનાર આવ્યા હતા. મેનાર, ખરસાણ, રંઢેડા અને બાસેડા ખુર્દ ગામના લગભગ ચાર હજાર કરતાં વધુ લોકો પાસે પાસપોર્ટ છે. અહીં ૧૦મું પાસ કર્યા બાદ સામાન્યત: પાસપોર્ટ કઢાવવાનું ચલણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter