મથુરાઃ વ્રજની પવિત્ર ભૂમિ હોળી પર્વે ધર્મ-પરંપરા-ઉમંગ-ઉત્સાહના રંગે રંગાઇ ગઇ છે. માહોલ એવો જામ્યો છે કે મંદિરોએ પાછલા વર્ષાની સરખામણીમાં આ વર્ષે અનેકગણો વધારે ગુલાલ તૈયાર કરાવ્યો હોવા છતાં દરરોજ જથ્થો ખૂટી રહ્યો છે. વૃંદાવન, મથુરા, ગોવર્ધન, ગોકુલ, બરસાનાથી માંડીને છેક નંદગાંવ સુધી ક્યાંય ધર્મશાળા, ગેસ્ટહાઉસ, આશ્રમ, મંદિર, હોટેલમાં સિંગલ બેડ પણ અવેલેબલ નથી. વૃંદાવન-મથુરામાં યાત્રિકો-શ્રદ્ધાળુઓને રોકાણ માટે નાના-મોટા એકાદ હજાર સ્થળો છે.
જ્યાં કુલ બે લાખથી વધુ લોકો રોકાણ કરી શકે એમ છે. પરંતુ આ વર્ષે યાત્રિકોનો એટલો ધસારો છે કે રૂમનું બુકીંગ કરતી તમામ લોકપ્રિય એપ પર એક જ બેનર જોવા મળી રહ્યું છેઃ ‘નો રૂમ્સ’. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે વ્રજની હોળી મર્યાદિત લોકો, આકરા અંકુશો સાથે મનાવાઇ હતી, પણ આ વખતે નિયંત્રણો ઉઠી ગયા હોવાથી 2019 કરતાં વધારે રોનક છે. આ જગવિખ્યાત હોળી માણવા દિલ્હીથી મથુરા પહોંચેલા રજત ગુપ્તાએ કહે છે કે બે વર્ષ અગાઉ અમને રમણરેતી વિસ્તારના એક ગેસ્ટ હાઉસમાં 800 રૂપિયામાં રૂમ મળ્યો હતો. આ વખતે 2000 રૂપિયા આપવા છતાં રૂમ ઉપલબ્ધ નહોતો. આથી અમે બાંકે બિહારી મંદિર નજીક એક પંડાજીને ત્યા હોમ સ્ટે કર્યો છે. ઘણા પરિવારો તો આશ્રમોના વરંડામાં રોકાયા છે.
૪૦ દિવસ ચાલનારા વ્રજના આ ઉત્સવનો લ્હાવો માણવા છેલ્લા અઠવાડિયાથી દરરોજ બેથી ત્રણ લાખ લોકો મથુરા-વૃંદાવન પહોંચી રહ્યા છે. 2019માં અહીં એકથી દોઢ લાખ દર્શનાર્થીઓ અહીં આવ્યા હતા, પરંતુ વીતેલા શુક્રવાર - શનિવારે તો બરસાના અને નંદગાંવની લઠ્ઠમાર હોળીમાં ચાર લાખથી વધુ લોકો પહોંચ્યા હતા.