ધર્મના નામે ધતીંગઃ પ્રાર્થના ભગવાન સુધી પહોંચાડવાના નામે ૪ વર્ષમાં ૪૬ કરોડની કમાણી કરી

Sunday 03rd April 2016 07:36 EDT
 
 

વોશિંગ્ટનઃ લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એ ઉક્તિ હવે લોભિયા ઉપરાંત અંધશ્રદ્ધાળુ લોકો માટે પણ લાગુ પાડી શકાય તેમ છે. અમેરિકાના સીએટલમાં રહેતા બેન્જામિન રોગોવી નામના ભાઈએ હજારો લોકોની ધાર્મિક શ્રદ્ધાનો લાભ ઉઠાવીને લાખો ડોલર ઘરભેગા કર્યા છે. અને એ પણ એક વેબસાઇટ દ્વારા. hristianprayercenter.com નામની વેબસાઇટ પર જોન કાર્લસન નામના નકલી પાદરીના નામે એવી રજૂઆત કરવામાં આવી હતી કે ‘તમે માત્ર તમારી સમસ્યાઓ અહીં જણાવો. તમારા વતી તમારી પ્રાર્થના પાદરી અને ધર્મગુરુઓ પ્રભુ સુધી પહોંચાડશે.’ આ માટે ૯થી ૩૫ ડોલરની ફી ચૂકવવાની રહે. તમારે ડાયરેક્ટ ભગવાન સુધી પ્રાર્થના પહોંચાડવી હોય તો એ માટે મેક્સિમમ ચાર્જિસ ચૂકવવાના રહે. નાનામાં નાની પ્રાર્થના પ્રભુ સુધી પહોંચાડવા માટે નવ ડોલર લાગે. મતલબ કે ૬૦૦થી ૨૪૦૦ રૂપિયામાં તમારી પ્રાર્થના, માગણી કે સમસ્યા પ્રભુ સુધી પહોંચાડવામાં આવશે.
આજના મોર્ડન યુગમાં કોઈ આ વાત માને એ આપણને ભલે અશક્ય લાગતું હોય, પણ હકીકતમાં ચાર વર્ષના ગાળામાં આ વેબસાઇટે લગભગ સાત મિલિયન ડોલર એટલે કે આશરે ૪૬ કરોડ રૂપિયા એકઠા કરી લીધા હતા. એટલું જ નહીં, અન્ય ભાષાઓમાં પણ એની વેબસાઇટ ખૂલી ગઈ હતી. વેબસાઇટ પર નકલી દાખલાઓ પણ હતા. આ વેબસાઇટનું ફેસબુક-પેજ પણ હતું જેને ૧૨,૮૯,૧૨૦ લાઇક્સ પણ મળેલી.
વાચક મિત્રો, આપને આવા ધુતારાઓની ચુંગાલમાં સપડાતા અટકાવવા માટે જ આપના પ્રિય સાપ્તાહિકો ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ દ્વારા જ્યોતિષીઓ, જંતરમંતર કરનારાઓ, ગ્રહોના નડતર નિવારણ કરવાનો દાવો કરતાં લોકોની જાહેરખબરો પ્રકાશિત કરવામાં આવતી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter