નવીદિલ્હી: કેરળના એર્નાકુલમ જિલ્લાના વલયનચિરંગારા ખાતેની પ્રાથમિક શાળાએ તેના તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને એકસમાન ગણવેશ ધારણ કરવાની આઝાદી આપીને લૈંગિક તટસ્થતાનો રાહ બતાવ્યો છે. આ શાળાના તમામ બાળકો હવે જેન્ડર ન્યુટ્રલ ગણવેશ ધારણ કરશે. શાળાના આચાર્યે વર્ષ ૨૦૧૮માં આવા ગણવેશની નીતિ અંગેની દરખાસ્ત રજૂ કરી હતી. જેન્ડર ન્યુટ્રલ ગણવેશ નીતિ મુજબ તમામ વિદ્યાર્થીઓ હવે શર્ટ અને ત્રણ ચતુર્થાશ સાઇઝનું પાટલૂન ધારણ કરશે. વર્ષ ૨૦૧૮માં આ ગણવેશની દરખાસ્ત મૂકનારા આચાર્ય સી. રાજીએ કહ્યું હતું કે, ‘આ શાળા સારી વિચારણા ધરાવનારી શાળા છે. શાળામાં કઈ નીતિ અમલી કરવી તે મુદ્દે વિચારણા કરી રહ્યા હતા ત્યારે લૈગિંક સમાનતા મુખ્ય વિષય હતો. તેથી જ એકસમાન ગણવેશનો વિચાર આવ્યો હતો. તે વિશે હું વિચારવા લાગી. પછી મેં જોયું કે, જ્યારે સ્કર્ટની વાત આવી તો કન્યાઓને તેથી ઘણીબધી સમસ્યાનો સામનો કરવો પડે છે. ફેરફાર માટે બધા સાથે ચર્ચા પણ થઈ. તે સમયે ૯૦ ટકા માતાપિતાએ આ નવા ગણવેશની તરફદારી કરી હતી. બાળકો પણ આ વાત સાંભળી ખુશ છે.’