કોર્ટિજક: બેલ્જિયમ મૂળની બ્રિટિશ ટીનેજર પાયલટ ઝારા રુધરફોર્ડે એકલપંડે દુનિયાભરના આકાશમાં વિમાન ઉડાવીને ઈતિહાસ સર્જ્યો છે. સોલો ફ્લાઈટમાં દુનિયાનો પ્રવાસ કરનારી ઝારા દુનિયાની સૌથી નાની વયની મહિલા પાયલટ છે. તેણે માત્ર ૧૫૫ દિવસમાં આ પ્રવાસ પૂરો કર્યો છે.
ઝારા રુધરફોર્ડ સોલો ગ્લોબલ ફ્લાઈટમાં ૧૫૫ દિવસનો લાંબો પ્રવાસ કરીને ૨૧ જાન્યુઆરએ તે બેલ્જિયમના કોર્ટિજકમાં આવી પહોંચી હતી. ૧૮મી ઓગસ્ટ ૨૦૨૧ના રોજ તેની યાત્રા શાર્ક અલ્ટ્રાલાઇટ વિમાનમાં આ શહેરથી જ શરૂ થઈ હતી. બેલ્જિમય મૂળની ઝારા રુધરફોર્ડ બ્રિટનમાં રહે છે. તે નાનકડાં વિમાન સાથે વિશ્વના પાંચ ખંડોમાં ફરી હતી. તેણે આ ઉડ્ડયન દરમિયાન બાવન દેશોનો પ્રવાસ કર્યો છે. ઝારાએ ૧૫૫ દિવસમાં કુલ ૫૧ હજાર કિલોમીટરનો પ્રવાસ પૂરો કર્યો હતો.
અગાઉ સોલો ગ્લોબલ ફ્લાઈટનો રેકોર્ડ અમેરિકન મહિલા પાયલટ શાએસ્તા વાઈઝના નામે હતો. શાએસ્તાએ ૨૦૧૭માં ૩૦ વર્ષની વયે દુનિયાનું એકલપંડે ચક્કર લગાવ્યું હતું. ઉડ્ડયન દરમિયાન ઝારા રુધરફોર્ડે કેલિફોર્નિયાની ભયાનક આગ આકાશમાંથી જોઈ હતી. રશિયાની કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. તે ઉપરાંત ઉત્તર કોરિયાના જોખમી ગણાતા હવાઈ ક્ષેત્રમાંથી તે પસાર થઈ હતી.
વિશ્વવિક્રમ નોંધાવ્યા બાદ ખુશખુશાલ ઝારાએ કહ્યું હતુઃ એવિએશનમાં વધુમાં વધુ છોકરીઓ આવે તે માટે મેં આ સાહસ ખેડયું છે. હું યુવતીઓને પ્રોત્સાહિત કરવા ઈચ્છતી હતી. ઉડ્ડયન ક્ષેત્રમાં મહિલાઓ માટે વિશાળ તકો સર્જાઈ રહી છે.
આ પરાક્રમ પછી ઝારા રુધરફોર્ડનું નામ સૌથી નાની વયે વિમાન ઉડાડીને દુનિયા ફરી વળનારી મહિલા પાયલટ તરીકે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ટમાં નોંધાયું છે. ઓવરઓલ રેકોર્ડ ૧૮ વર્ષના બ્રિટનના પાયલટ ટ્રાવિસ લુડલોના નામે ગયા વર્ષે નોંધાયો હતો. બ્રિટનના આ યુવાને ૪૪ દિવસમાં ૪૧ હજાર કિલોમીટરનું અંતર કાપ્યું હતું.
બેલ્જિયમ મૂળની બ્રિટિશ ટીનેજર પાયલટ ઝારા રુધરફોર્ડે એકલપંડે દુનિયાભરના આકાશમાં વિમાન ઉડાવીને ઈતિહાસ સર્જ્યો છે. સોલો ફ્લાઈટમાં દુનિયાનો પ્રવાસ કરનારી ઝારા દુનિયાની સૌથી નાની વયની મહિલા પાયલટ છે. તેણે માત્ર ૧૫૫ દિવસમાં આ પ્રવાસ પૂરો કર્યો છે.