મુંબઇઃ ઉત્તર ગુજરાતના પાલનપુરના વતની અને મુંબઈના ખ્યાતનામ જ્વેલર નીરવ મોદીએ ડિઝાઇન કરેલો એક અફલાતૂન ડાયમંડ નેકલેસ ક્રિસ્ટી ઓકશન-હાઉસ દ્વારા હોંગકોંગમાં યોજાયેલા એક ઓકશનમાં ૧૩ કરોડ રૂપિયાની તોતિંગ કિંમતે વેચાયો હતો. ૧૦.૨ કેરેટનો ઓર્કિટ એનરા નામનો આ હીરાનો હાર અગાઉ ૨૦૧૧માં યોજાયેલી હરાજીમાં વેચાયો હતો એના કરતાં આ કિંમત ૭૧ ટકા જેટલી વધારે છે.
હારના વચ્ચેના ભાગમાં જમરૂખના આકારના અનુક્રમે ૧૦.૦૨ કેરેટ તથા ૨.૬૬ કેરેટના હીરા છે તથા એની વચ્ચે પર્પલ-લાલ રંગનો ષટ્કોણીય હીરો આવેલો છે. લાલ રંગના હીરા આમેય ઝવેરાતની દુનિયામાં દુર્લભ ગણાય છે.
ઉલ્લેખનીય છે કે નીરવ મોદી ૨૦૧૦માં ક્રિસ્ટીના કેટલોગના કવર પર ચમકનારા પ્રથમ ગુજરાતી જ નહીં, ભારતીય પણ બન્યા ત્યારે રાતોરાત લાઇમલાઇટમાં આવી ગયા હતા. એ અગાઉ ક્રિસ્ટી માત્ર ઇન્ટરનેશનલ કહેવાતી બ્રેન્ડના મોંઘેરા દાગીનાની જ હરાજી કરતી હતી.