જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ નેલ્સન મંડેલાનું જોહાનિસબર્ગ પાસે આવેલું હોલિડે વિલા હવે જાહેર જનતા માટે પણ ખુલ્લું મૂકાયું છે. પહેલા મંડેલા પરિવાર પસંદગીના મહેમાનો જેવા કે ભૂતપૂર્વ યુએસ પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન કે ટીવી સ્ટાર ઓપ્રા વિન્ફ્રે જેવી હસ્તીઓને જ રહેવા માટે આમંત્રિત કરતા હતા.
જોકે હવે જોહાનિસબર્ગની ઉત્તરે શહેરની બહારના જંગલ જેવા વિસ્તારમાં આવેલું આ વિલા આમ જનતા માટે પણ ખુલ્લી મુકાઈ છે. જોકે એના ચાર્જિસ એટલા બધા છે કે એમાં આમ નહીં, માત્ર ખાસ લોકો જ જઈ શકે. ૪૫૦૦ પાઉન્ડનું ભાડું ચૂકવીને તમે એક રાત માટે આ ઘરમાં મુકામ કરી શકો છો. આ ભાડામાં પ્રાઇવેટ સફારી વિથ ગાઇડ ફ્રીમાં મળે.
શમ્બાલા પ્રાઇવેટ ગેમ રિઝર્વમાં આવેલી આ વિલા નેલ્સન મંડેલાએ ૨૦૦૧ની સાલમાં બનાવી હતી. ૨૦૧૩માં નેલ્સનના અવસાન પછી એ બંધ કરી દેવામાં આવી હતી. એક બેઠક રૂમ, એક બોર્ડરૂમ, એક પ્રેસિડેન્શિયલ સ્વીટ, સ્વીમિંગ પૂલ, બે ડ્રેસિંગ રૂમ અને પાંચ બેડરૂમ ધરાવતાં આ બંગલોમાં એક સાથે બાર જણ રહી શકે છે.
જોકે એક રાતના ૪૫૦૦ પાઉન્ડ એફોર્ડ ન કરી શકતા હો તો આ રિઝર્વમાં જ ઝુલુ કેમ્પ આવેલો છે, જ્યાં સસ્તામાં લાકડાની નાનકડી ઝુગ્ગીમાં રહીને સફારીની મુલાકાત કરી શકો છો.