મોસ્કોઃ તે પોતાના હાથથી બેલેન્સ કરે છે અને પછી પગના પંજાથી તીરકામઠું પકડીને પગના અંગૂઠાથી જ નિશાન તાકે છે. તેનું નિશાન લગભગ અચૂક હોય છે. રશિયાની ૧૯ વર્ષની એના બેલિસે ઓનલાઇન વીડિયો મૂકીને પોતાના તીરંદાજી કૌશલ્યને સાબિત કર્યું છે. તેના પરિવારનું કહેવું છે કે એના એક્રોબેટિક્સની શોખીન છે અને તેણે એક્રોબેટિક્સની સાથે તીરંદાજીનો સમન્વય સાધ્યો છે.
રાઇફલ શૂટિંગનું ખૂબ આકર્ષણ ધરાવતી એનાએ નિશાનબાજી અને તીરંદાજીને એક કરવાનો વિચાર આવ્યો અને તેનો અમલ પણ કર્યો. શરૂઆતમાં રશિયન ગર્લે પોતાની તરકીબ દ્વારા તીર ચલાવ્યા, જેમાં બેલેન્સ મુખ્ય હતું. આમાં ફાવટ આવી ગયા પછી એનાએ બન્ને હાથ પર ઊભા થઇને પગનો ઉપયોગ કરીને લક્ષ્ય સાધવાના પ્રયાસ શરૂ કર્યા અને સફળતા મેળવી. હવે તે બે પોલ વચ્ચે બેલેન્સ બનાવીને યોગ્ય નિશાન સાધવા પ્રયત્નશીલ છે.
સેન્ટ્રલ રશિયાના ઓમ્સ્ક શહેરમાં રહેતી એનાના માતા-પિતાનું કહેવું છે કે તેમને પોતાની દીકરીની ક્ષમતા પર ગર્વ છે. તેમણે એનાના સ્ટંટને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સામેલ કરવા માટે આવેદન મોકલ્યું છે. જોકે કહેવું મુશ્કેલ છે કે શ્રેણીમાં તેનો સ્વીકાર કરાશે કે નહીં. એનાના પિતા સર્જે બેલિશ રેલવેમાં રિપેરમેન તરીકે જોબ કરે છે.