કાનપુરઃ સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની સુપર હિટ ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ' જેવી એક સાચુકલી ઘટના ઉત્તર પ્રદેશના કાનપુરમાં બની છે. તમામને આશ્ચર્યચકિત કરી દેનારી આ ઘટનામાં પતિએ પત્નીનાં લગ્ન તેના બોયફ્રેન્ડ સાથે કરાવી આપ્યા છે. સલમાન-ઐશ્વર્યાની ફિલ્મમાં ઐશ્વર્યા છેવટે તેના પતિ સાથે જ રહેવાનું નક્કી કરે છે, પરંતુ અહીં તો પતિએ જ ધામધૂમથી પત્નીને પરણાવી હતી.
અહેવાલ અનુસાર કાનપુરના સુજીત ઉર્ફે ગોલુ ગુપ્તાના લગ્ન ગત ૧૯ ફેબ્રુઆરીએ નજીકમાં રહેતી છોકરી શાંતિ સાથે થયા હતા. લગ્ન પછી શાંતિ માતા-પિતાના ઘરે પાછી ફરી હતી. લાંબા સમય સુધી તે સાસરે પરત ન ફરતા સુજીતે કારણ પૂછ્યું તો શાંતિએ પતિને પોતાની પ્રેમકહાણી સંભળાવી દીધી. આ પછી સુજીતે પત્ની શાંતિને વચન આપ્યું હતું કે એ તેના લગ્ન બોયફ્રેન્ડ સાથે કરાવી દેશે, પણ ધીરજ ધરવી પડશે. બાદમાં તે શાંતિના બોયફ્રેન્ડ રવિને મળ્યો. તેની સાથે બધી વાતચીત કરી તો તેણે પણ શાંતિ સાથે લગ્ન કરવા ઇચ્છા બતાવી હતી. સુજીતે લગ્નની તમામ તૈયારી કરીને પછી સ્થાનિક પોલીસને આ પ્રસંગની માહિતી આપી જેથી કોઇ કજિયો-કંકાસ ન થાય. સુજીતે એક હનુમાન મંદિરમાં બન્નેના લગ્ન કરાવી દીધા. આ પ્રસંગે ત્રણેય પક્ષના મહેમાનો પણ હાજર રહ્યા હતા. પત્નીના લગ્નમાં સુજીત પહેલા તો ખૂબ નાચ્યો હતો, પરંતુ પછી રડ્યો પણ હતો.