લંડનઃ મહાનગરમાં એક પતિએ પત્નીને ઓનલાઇન વેચવા મૂકતા ચર્ચા સાથે ભારે રમૂજ પણ થઈ હતી. વાત અહીં પૂરી નથી થતી, થોડાક કલાકોમાં જ તેની પત્ની માટે ૬૬ હજાર પાઉન્ડની ઓફર આવી હતી. યોર્કશાયરમાં બનેલી આ ઘટનામાં ૩૩ વર્ષીય સીમોન કાને ૨૭ વર્ષીય પત્ની અને બે બાળકોની માતા લિન્ડ્રાને હરાજીની વેબસાઇટ પર વેચવા મૂકી હતી. આ માટે તેણે ‘યુઝ્ડ કાર’ કેટેગરી પસંદ કરી હતી. આની સાથે તેણે પત્નીને શા માટે વેચે છે તેના કારણો પણ જણાવ્યા હતા. તેણે લખ્યું હતુંઃ ‘એક પત્ની વેચવાની છે. નવી નથી, પણ થોડા માઇલેજ બાકી છે મેં બહુ સહન કર્યું, હવે બીજાનો વારો... હું બીમાર હતો તો પત્નીએ સહાનુભૂતિ પણ નહોતી બતાવી...’ પત્નીની તસ્વીર સાથે જાહેરાતમાં તેણે લખ્યું હતું કે, તે રસોઈ સરસ કરી જાણે છે અને શરીર સૌષ્ઠવ પણ આકર્ષક છે, પરંતુ બોલબોલ બહુ જ કરે છે.
આ જાહેરાત પછી તેને પત્ની માટે ૬૫,૮૮૦ પાઉન્ડની ઓફર આવી હતી. પત્નીએ આ વાત જાણી ત્યારે તેને આંચકો લાગ્યો. બ્યુટી થેરાપિસ્ટનું કામ કરતી પત્નીએ જણાવ્યું હતું કે, લોકો આ જાહેરાત વાંચીને હસતા હતા. જોકે વેબસાઇટ ઉપરથી તરત જ જાહેરાત હટાવી દેવાઇ હતી. તેના પતિએ જણાવ્યું હતું કે, તે જોવા માગતો હતો કે પત્નીની કિંમત કેટલી આવે છે. પત્નીને વેચવાનો તેનો કોઈ ઇરાદો નહોતો.