ભોપાલઃ મધ્ય પ્રદેશમાં તાજેતરમાં યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં રાજ્યના પ્રધાને નવોઢાઓને અનોખી અને વિચિત્ર ભેટ આપી હતી. તેમણે નવોઢાઓને લાકડાના ધોકા ભેટમાં આપ્યા છે. સામાન્ય રીતે ધોકાનો ઉપયોગ કપડાં ધોવા માટે થતો હોય છે, પણ પ્રધાને નવોઢાઓને કહ્યું કે, તમારો પતિ નશો કરીને આવે કે દારૂ પીને આવે ત્યારે તેનો ઉપયોગ કરજો. આ દરેક ધોકા ઉપર લખેલું છે કે, ‘શરાબીઓને સુધારવા માટે ભેટ, પોલીસ પણ કશું નહીં કહે’.
૨૮ એપ્રિલે અખાત્રીજના સપરમા દિવસે સાગર જિલ્લાના ગર્હાકોટા ગામે સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. સમારંભમાં રાજ્યના પંચાયતી રાજ અને ગ્રામ્ય વિકાસ પ્રધાન ગોપાલ ભાર્ગવ પણ હાજર રહ્યા હતા. તેમણે આ લગ્ન સમારંભમાં ૭૦૦ નવોઢાઓને સ્થાનિક ભાષામાં મોગરી તરીકે ઓળખાતા લાકડાના ધોકા ભેટમાં આપીને તેનો જરૂર પડયે ઉપયોગ કરવાની સલાહ પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે ગર્હાકોટા ભાર્ગવનું જ વતન છે, અને તેમણે જ આ સમૂહ લગ્નોત્સવ યોજ્યો હતો.
અલબત્ત, લગ્નમાં ભાગ લેવા આવેલા અન્ય જાનૈયા-માંડવીયાઓને આ ભેટ અર્થહીન લાગી હતી, પણ પ્રધાને ભેટને યોગ્ય ઠરાવતા કહ્યું કે હું જ્યારે પણ મારા વિસ્તારની અને ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લેતો હોઉં છું ત્યારે મહિલાઓ મોટા ભાગે પતિની નશાખોરી અને દારૂ પીવાની આદતો અંગે જ ફરિયાદ કરતી હોય છે. આ સંજોગોમાં ધોકાની ભેટ અનુકૂળ છે કેમ કે પતિ પોતાની કમાણી તો વાપરી જ નાંખે છે, પણ મહિલા પણ જે કંઇ થોડુંઘણું કમાઇ લાવતી હોય છે તે ખર્ચી નાંખે છે. એટલું જ નહીં, ઘણાં કિસ્સામાં બહેનો પર શારીરિક અને માનસિક અત્યાચાર થતો હોવાનું પણ જાણવા મળતું હતું. આ તમામ બાબતો લક્ષ્યમાં લઇને મેં મોગરી ભેટ આપવાનો નિર્ણય કર્યો છે. એક મહિલાએ તેના પતિને લાકડાના છોડીયાથી ફટકારીને દારૂ પીતો અટકાવ્યો હતો. આ સંજોગોમાં ધોકા શ્રેષ્ઠ ભેટ સાબિત થાય તેમ છે.
પ્રધાન ભાર્ગવે દારૂડીયા પતિઓથી હેરાનપરેશાન પત્નીઓને બચાવવા માટે આવી ૧૦,૦૦૦ મોગરી કે ધોકાઓનો ઓર્ડર આપ્યો છે. તેઓ કહે છે કે માત્ર સરકાર કે પોલીસ જ સામાજિક વાતાવરણ બદલી શકે નહીં. દરેક રાજ્યમાં ગેરકાયદે દારૂની સમસ્યા માથાના દુખાવારૂપ છે. દીકરીઓ તેમને (પતિને) સમજાવશે, પરંતુ આમ છતાં પણ તે નહીં સમજે તો આ ધોકા તેમને ‘સમજાવશે’. જોકે ભાર્ગવે તમામ કન્યાઓને તેઓ જ્યાં જાય ત્યાં વૃક્ષારોપણ કરવા તેમજ તમામ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિથી તે અને તેનો પરિવાર દૂર રહે તેવી શિખામણ આપી છે.