હમીરપુરઃ હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લામાં નિવૃત્ત ડોક્ટરે પત્નીની અંતિમ ઇચ્છા પૂરી કરવા માટે પોતાની તમામ સ્થાયી-અસ્થાયી સંપત્તિ દાન કરી દીધી છે. ડોક્ટર નિસંતાન હતા તેથી તેમણે આ સંપત્તિ દાન કરી દીધી છે. નાદૌનના જોલસપ્પડ ગામ નજીક રહેનાતા ૭૨ વર્ષના ડોકટર રાજેન્દ્ર કંવરની આરોગ્ય વિભાગમાંથી અને તેમના પત્ની કૃષ્ણા કંવર શિક્ષણ વિભાગમાંથી નિવૃત્ત થયા હતા. કૃષ્ણા કંવરનું એક વર્ષ પહેલા જ અવસાન થયું હતું. બંનેની ઇચ્છા હતી કે સંતાન નથી તે સ્થિતિમાં તેઓ તેમની સ્થાયી-અસ્થાયી મિલકત સરકારના નામે વસિયત કરી દે. પત્નીની અંતિમ ઇચ્છા પૂરી કરવા માટે તેમણે સગાસંબંધીઓ સાથે મળીને આ નિર્ણય લીધો.
ડોક્ટરે જણાવ્યું હતું કે વૃદ્ધાવસ્થામાં જે લોકોને ઘરમાં જગ્યા મળતી નથી અને એકદમ ખરાબ સ્થિતિમાં જીવવું પડે છે તેવા વૃદ્ધો માટે હવે સરકાર મારા ઘરમાં રહેવાનો બંદોબસ્ત કરે.
સરકારને નામે કરેલા વસિયતનામામાં તેમણે આ શરત રાખી છે. તેમણે લોકોને સંદેશ આપતા જણાવ્યું હતું કે સિનિયર સિટિઝન સાથે હંમેશા જોડાણ રાખો અને તેમનો આદર કરો. તેમણે ઘર ઉપરાંત નેશનલ હાઇવે નજીકની પાંચ એકર જમીન અને ગાડી પણ સરકારના નામે કરી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે તેમણે ૨૩ જુલાઈ ૨૦૨૧ના રોજ સરકારના નામે આ વસિયત કરી દીધી છે અને ત્યારથી એકલા જ જીવી રહ્યા છે.