કર્ણાટકનાં કોપ્પલમાં રહેતા ૫૭ વર્ષીય શ્રીનિવાસ ગુપ્તાએ તેમના બંગલોના વાસ્તુ પ્રસંગે પત્ની માધવી ગુપ્તાની મીણની પ્રતિમા તૈયાર કરાવી છે. ત્રણ વર્ષ પહેલા કાર એક્સિડન્ટમાં મૃત્યુ પામેલી પત્નીની અંતિમ ઇચ્છા પ્રમાણે તેમણે બંગલો બનાવ્યો અને તેમાં પરિવાર સાથે રહેવા જવાનું નક્કી કર્યું. ગૃહપ્રવેશ પૂજનવિધિનું આયોજન થયું. આ દરમિયાન ગુપ્તાજીએ વિચાર્યું કે ખરેખર તો આટલા શાનદાર બંગલોનું સ્વપ્ન મારી પત્નીનું હતું, અને આ સપરમા પર્વે એ તો સદેહે હાજર નહીં હોય. પત્નીની સતત યાદ આવતી હોવાથી તેઓ જુદા જુદા શિલ્પકારોને મળ્યા અને આખરે પત્નીની મીણની આ પ્રતિમા તૈયાર કરાવીને બંગલામાં તેની સ્થાપના કરાવી હતી. ગૃહપ્રવેશ વેળા તેઓ પત્ની-પ્રતિમા સાથે બેઠા હતા અને મહેમાનોને આવકાર્યા હતા. મહેમાનો પણ માધવી ગુપ્તાની આબેહૂબ પ્રતિમા નિહાળીને આશ્ચર્યચકિત થઇ ગયા હતા.